જૂનાગઢ
પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પરંતુ સાંપ્રત સમયમાં વઘુ ખેતઉત્પાદન મેળવવાની ઘેલછામાં રાસાયણીક ખાતર અને જંતુનાશક રાસાયણિક દવાઓનાં વણજોઇતા આડેધડ વપરાશનાં કારણે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ પર જોખમ ઉભુ થયું છે. રાસાયણિક દવા અને ખાતરની માનવજીવન પર કેટલીક વિપરતી અસરો જોવા મળી હોય તેનું જીવંત ઉદાહરણ કેન્સર ના વધતા દર્દીઓ છે.
શૈલેષભાઇએ પોતાનાં ૨૨ વિઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતપધ્ધતિથી મિત્ર કીટક અને ફુગની સહાયથી મિશ્રપાક દ્વારા મેળવ્યુ મબલખ ઉત્પાદન
જમીન, પાણી, હવા, વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદુષણ ફેલાયું છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયુ છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઈ ગયા છે. તેથી જ હવે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી તરફ તમામ ખેડૂતોને દોરી રહી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીની પ્રેરણાથી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ધરતીમાતાને બચાવી શકાય અને ગાય આધારીત ખેત પધ્ધતિ ગાયનાં પાલન પોષણથી આહારમાં ગાયનાં દુધનો ઉપયોગ થવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.
પ્રાકૃતિક ખેતીના આ સામૂહિક પ્રયાસમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ જોડાયા છે. જેમા વિસાવદર તાલુકાના નાનકડા છાલડા ગામનાં રહેવાસી ખેડૂત શૈલેષભાઇ રવજીભાઇ રાદડીયા પાસે ૨૨ વીઘા જમીન છે, અને તેઓ છેલ્લા ૧૦ વર્ષથી વધારે સુભાષ પાલેકર પદ્ધતિ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શૈલેષભાઈએ ૨૨ વીઘામાં ઋતુ અનુસાર વાવેતર કરતા રહે છે. ચોમાસામાં મુખ્યપાક મગફળી હોય કે કપાસનું વાવેતર કરે પણ મુખ્ય પાકની સાથે મિશ્રપાકનુ પણ વાવેતર કરે છે. જેમા તેઓ જણાવે છે કે આ મિશ્રપાક મિત્રપાક તરીકે પણ કાર્ય કરે છે. જેમા હળદર, મરચી, ઘાણા અને જૂદા-જૂદા શાકભાજી વગેરે રોકડીયા પાક બજારની જરૂરત સંતોષે અને પોતાની આવકમાં વૃધ્ધિ કરે તે રીતે વાવેતર કરે છે. ઉપરાંત ખેતરને ફરતે શૈલેષભાઇ સુર્યમુખીનાં છોડનું ચાર હારમાં વાવેતર કરે છે. કેસર આંબાનાં છોડની સાપેક્ષમાં પપૈયાનાં ફળાવ છોડ અને મસાલા શાકભાજીનાં વેલા આધારીત મિત્ર પાકોનું વાવેતર આવકમાં વૃધ્ધી કરે છે સાથે નિંદામણને નિવારી મુખ્યપાકને સારી જમીન પુરી પાડવા મદદરૂપ બને છે અને મિત્ર કીટકો અને કૃષિમાટે ઉપયોગી ફુગને સંવર્ધન કરે છે.
સુભાષ પાલેકર ખેતી અપનાવવાની વાત કરતા શૈલેષભાઈ જણાવે છે કે, હું પહેલા રાસાયણીક ખેતી કરતો હતો જેમાં શરૂઆતના દિવસોમાં ઉત્પાદન મળતુ હતું પણ દિવસે દિવસે મારી જમીન કાર્બન સ્તર ઘટતો જવાથી બગડતી જતી હતી અને ઉત્પાદનમાં પણ ઘટાડો થતો ગયો. ત્યારબાદ હું પાલેકરજી પ્રેરીત પ્રાકૃતિક ખેતી માટે તાલીમમાં જોડાયો હતો. તેમાં મને આત્મા કૃષિ તાલીમ કેન્દ્રનો સાથ મળ્યો જેમાં મને ખુબ જ સારી માહિતી મળી હતી. જેના થકી ઉત્પાદન વધારી શકાય અને ખેતી ખર્ચ ઘટાડી શકાય. જીવામૃત વગેરે કઇ રીતે બનાવવું અને તેનાથી શું-શું ફાયદા થાય છે તેના વિશે મેં માહિતી મેળવી, આત્મા પ્રોજેક્ટ તરફથી સાત દિવસની તાલીમ શાળાનું આયોજન કરેલ હતુ જેમાં મેં ભાગ લીધો હતો. મારી સાથે ગામ દીઠ અનેક ખેડૂતો આ તાલીમમાં જોડાયા હતા. તાલીમમાં જીવામૃત કઇ રીતે બનાવવું વગેરેનું પ્રેક્ટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતુ. આ રીતે હું ગાય આધારિત ખેતી શીખ્યો અને મારા ખેતરમાં હું આ જ ખેતી કરુ છુ. આ ખેતીથી મને અનેક ફાયદા પણ થયા છે. મારી જમીન હવે તો સોના જેવી શુધ્ધ, ફળદ્રુપતાની દ્રષ્ટિએ મૂલ્યવાન બની છે. જમીનનો કાર્બન સ્તર સુધર્યો છે. મારું ખેત ઉત્પાદન વધ્યું છે તો સાથે સાથે ખેતી ખર્ચ પણ ઘટાડો થયો છે. ઉપરાંત જીવામૃતનો ઉપયોગ કરવાથી રોગ જીવાતનું નિયંત્રણ પણ હું કરી શકુ છુ.પ્રાકૃતિક ખેતી એ એક સામૂહિક પ્રયાસ છે. જેના થકી જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કારણ કે છોડ તો આપ મેળે જ સ્વસ્થ થઈ જાય છે. રાજ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિની મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેને હવે ધીરે ધીરે તમામ ખેડૂતો અપનાવતા થઈ રહ્યા છે. જેનો મને આનંદ છે.
શૈલેષભાઇને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અને રાસાયણિક ખેતીનાં તુલનાત્મક અનુભવો વર્ણવતા જણાવે છે કે રાસાયણિક ખેતી શરૂઆતનાં તબક્કે સુલભ લાગે પણ લાંબાગાળે ખેત જમીનને અને તેનાથી ઉત્પાદિત ખેત જણસનાં ઉપભોક્તા માટે ખુબ ખતરનાક હોય છે.મેં જ્યારે મારા ગામમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે ગ્રામજનો તો એવુ કહેતા કે હવે શૈલેષ જમીન વેચશે. ગામમાં મારા પ્રાકૃતિક કાર્યને પાગલપન કહેવાતુ આજે જ્યારે હું મારા ખેતરમાં છેલ્લા આઠ વર્ષથી એકધારું ધાણાનું પણ અમુક ભાગમાં વાવેતર કરી સારૂ વળતર મેળવુ છું અને તે પણ ખાતર કે દવાનાં ઉપયોગ વગર તેથી અનેક ખેડુતો આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા છે. અને પ્રાકૃતિક ખેતીને સ્વીકારતા થયા છે. મારા મતે પ્રાકૃતિક ખેતી એટલે કુદરતની જૈવીક સાયકલને અનુસરી કરવાનું થતુ કાર્ય.
સારૂ જીવવા અને રાષ્ટ્રબાંધવોનાં અન્નદાતા હોવાનાં નાતે સૈાનાં સારા આરોગ્યની ખેવના કરવા આપણે પ્રાકૃતિક ખેત પધ્ધતિને અનુસરી અપનાવીએ.પ્રાકૃતિક ખેતીને સમજીએ. ખેતીમાં મિત્ર કીટકો અને મિત્ર ફુગને ઓળખીએ તેમનું સંવર્ધન કરી પાકને સારો બનાવી વધુ ઉત્પાદન મેળવીએ તેવી અપીલ કરી છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)