વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહિલાઓની સક્રિય ભૂમિકા જોવા મળતી જોવા મળી છે. ખાસ કરીને મોણીયા ગામે સ્થિત “સખી મતદાન મથક” પર સમગ્ર મથકનું સંચાલન અને વ્યવસ્થાપન મહિલા અધિકારી તથા મહિલા કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવ્યું, જેને લઈ મતદારોમાં ખાસ કરીને મહિલાઓમાં ગર્વ અને ઉત્સાહ જોવા મળ્યો.
મહિલા કર્મચારીઓએ માત્ર ફરજ જ નહીં નિભાવી, પણ મતદાન પ્રક્રિયાને સરળ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી. મતદારોના સ્વાગતથી લઈને ઇવીએમ હેન્ડલિંગ, યાદી ચકાસણી અને ગાઢ સુરક્ષા વ્યવસ્થા જેવી તમામ જવાબદારીઓ મહિલાઓએ ખુબ જ ચુસ્તતાથી સંભાળી.
મહિલા મતદાતા ઈલાબેન હરેશભાઈ શ્યારાએ જણાવ્યું કે, “આજ રોજ મને માત્ર મતદાન કરવાનું સંતોષ નથી, પણ એ જોવા મળ્યું કે આખું મથક મહિલાઓ સંભાળી રહી છે તે ગર્વની લાગણી છે. મહિલાઓ હવે દરેક ક્ષેત્રે આગળ છે.”
બીજી તરફ અન્ય મતદાતાઓએ પણ આશ્ચર્ય અને ખુશી વ્યક્ત કરી હતી કે મહિલાઓ કેવી રીતે વ્યવસાયિક અને પ્રતિબદ્ધતાથી કાર્ય કરે છે. મોણીયા ગામનું આ મથક માત્ર મતદાન માટેનું સ્થળ નથી રહ્યું, પરંતુ મહિલાઓની શક્તિ અને તેમની સેવા ભાવનાનું પ્રતિબિંબ બની ગયું છે.
જોકે, ચૂંટણી પંચ દ્વારા પણ ‘સખી મથક’ જેવી પહેલ કરી મહિલાઓને સક્રિય રોલ આપવા માટે સ્વીકાર્ય પ્રયાસ કરાયો છે, જેના પરિણામે હવે ગામડાઓમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)