વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કડક નિયમોમાં બાંધી, કલેક્ટરનું જાહેરનામું

જૂનાગઢ, તા. 28 મે:
૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી ૧૯ જૂન ૨૦૨૫ના રોજ યોજાનારી છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે લાઉડસ્પીકરનો ઉપયોગ થશે. તે દરમિયાન જાહેર જનતાને ત્રાસ, ભય, જોખમ કે નુકસાન ન થાય તે માટે અને જિલ્લા શાંતિ, સલામતી તથા જાહેર સુલેહ જળવાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કડક નિયમો સાથે જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ:

  • લાઉડસ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની અનિવાર્ય પરવાનગી લેવી ફરજિયાત રહેશે.
  • લાઉડસ્પીકરનો અવાજ માત્ર સવારે ૬ થી રાત્રિ ૧૦ કલાક સુધી જ હોય અને તે જાહેર જનતાને ત્રાસ કે ભય ન પહોંચાડે તે રીતે હોવો જોઈએ.
  • પરવાનગી મળતી જગ્યાની નજીક સરકારી કચેરીઓ, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ અને દવાખાનાઓ હોય તો લાઉડસ્પીકરનું અવાજ ધીમું રાખવું ફરજિયાત રહેશે.
  • સક્ષમ અધિકારીની મંજૂરી વિના કોઈ પણ સભા, સરઘસનું આયોજન નહીં થાય.
  • સભા, સરઘસમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી, લાઠી, કે અન્ય હિંસક સાધનો લાવવામાં સખ્ત મનાઈ છે.
  • તેવા ભાષણો, ચિત્રો કે નિશાનીઓ પર પ્રતિબંધ હશે, જેથી શાંતિ ભંગ થવાની શક્યતા હોય કે રાજ્યની સલામતીને જોખમ ઊભું થાય.
  • આ નિયમોનું ઉલ્લંઘન કરનારાને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧, ૧૩૫ તેમજ ચૂંટણી આચારસંહિતા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ નિયમો ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી પ્રક્રિયા પૂરતી અમલમાં રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ