જૂનાગઢ, તા. 13 — વિસાવદર શહેરમાં સરદાર સ્ટેચ્યુથી કનૈયા ચોક મેઈન રોડ તેમજ રામજી મંદિરથી રેલવે સ્ટેશન સુધી આરસીસી રોડનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. રોડનું મજબૂત અને ટકાઉ બાંધકામ સુનિશ્ચિત કરવા માટે કામ દરમિયાન આ વિસ્તારમાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, કનૈયા ચોકથી સરદાર સ્ટેચ્યુ સુધી આવતા-જતા તમામ પ્રકારના વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા:
સતાધાર તરફ જતા તમામ વાહનોને મોણિયા થઈ સરસઈ ગામથી સતાધાર તરફ મોકલવામાં આવશે.
ધારી તરફથી આવતા અને સતાધાર જવા ઇચ્છતા વાહનો કાલસારી ગામથી તાલુકા સંઘ થઈ સતાધાર તરફ જઈ શકશે.
અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે, કામ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે ટ્રાફિક વિભાગના માર્ગદર્શનનું પાલન કરે.
આ પ્રતિબંધ આજથી અમલમાં આવ્યો છે અને 10 ઓક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. રોડનું કામ પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર સામાન્ય રીતે શરૂ થશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ