વેરાવળના કૂપોષણ સારવાર કેન્દ્રમાં 14 દિવસમાં બાળકી ‘સુપોષિત’; ચાલતી અને બોલતી થઇ ગઈ.

ગિર સોમનાથ જિલ્લામાં બાળકના વિકાસ માટે ખાસ પ્રયત્નરૂપ બનેલું વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર અનેક બાળકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અહીં માત્ર 14 દિવસની સારવારથી ગંભીર કૂપોષણમાં રહેલા બાળકોને તંદુરસ્ત બનાવી શકાય છે – જેને જીવંત ઉદાહરણ છે ઉમ્મૂલખેર.

માત્ર સાડા ત્રણ વર્ષની ઉમ્મૂલખેરનું વજન જ્યાં દાખલ કરતી વખતે માત્ર 8.1 કિલો ગ્રામ હતું, ત્યાં 14 દિવસની સારવાર બાદ તેનું વજન 9.3 કિલો ગ્રામ થયું અને ત્રણ ફોલોઅપ વિઝિટ બાદ હવે તે 10.1 કિલો ગ્રામ થઈ ચૂકી છે. ઉમ્મૂલખેર પહેલા ન ચાલતી કે બોલતી પણ ન હતી – આજે તે રમે છે, હસે છે અને બોલવા લાગી છે. આ પરિવર્તન માટે તેના માતા-પિતા હોસ્પિટલના આ કેન્દ્રનો દિલથી આભાર માનતા નથી થકતા.

કેમ ચાલે છે આ કેન્દ્ર?

  • 0 થી 5 વર્ષના કૂપોષિત બાળકોને દાખલ કરી ન્યુટ્રિશન ટેસ્ટ, ડાયટ પ્લાન, મેડિકલ કાળજી અને માવજત આપવામાં આવે છે.

  • આહારમાં ફળફળાદી, દૂધ, કઠોળ, નાસ્તો અને ખાસ પ્રોટીન પાવડર આપવામાં આવે છે.

  • બાળકના વાલીઓ માટે રૂ. 2,500 નાણાકીય સહાય પણ અપાય છે, જેથી તબક્કાવાર તબિબ તપાસ માટે આવતા રહે.

પોષણશાસ્ત્રી જીજ્ઞાસાબેન ભારાવાલા કહે છે કે, 2015થી આ કેન્દ્ર કાર્યરત છે અને ગયા વર્ષે 128 બાળકોને કૂપોષણમાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી.

આ ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર બાલભોગ યોજના, દૂધ સંજીવની, મધ્યાહન ભોજન જેવી યોજનાઓની સાથે આ પ્રકારની સારવાર કેન્દ્રો દ્વારા પણ પ્રગતિશીલ પોષણ અભિયાન ચલાવી રહી છે.

ઉમ્મૂલખેર જેવી અનેક બાળાઓ માટે આ કૂપોષણ સારવાર કેન્દ્ર આશાની કિરણ બની ઊભી રહી છે – જ્યાં નાનાં પગલાંઓ ફરીથી આત્મવિશ્વાસથી ચાલવા લાગી છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ