વેરાવળમાં રેડ ક્રોસ – ગીર સોમનાથની વાર્ષિક સાધારણ સભા સંપન્ન — કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને વિવિધ ઠરાવ મંજૂર

વેરાવળ (ગીર સોમનાથ):
તારીખ 24 એપ્રિલ 2025ના રોજ વેરાવળ એજ્યુકેશન સોસાયટી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા – વેરાવળની વર્ષ 2022-23 તથા 2023-24ની વાર્ષિક સાધારણ સભા રેડ ક્રોસ પ્રમુખ તથા માનનીય કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાઈ હતી.

આ પ્રસંગે અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, મામલતદાર શ્રી શામળા અને તેમની ટીમ, રેડ ક્રોસ રાજ્ય શાખાના પ્રતિનિધિ શ્રી અશોક શિલુ તથા ડૉ. અજય પટેલ પણ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સભાની શરૂઆત પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ મહેમાનોના કરકમલોથી દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ થયો.

રેડ ક્રોસ ચેરમેન શ્રી કિરીટ ઉનડકટે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે સેક્રેટરી શ્રી સેવારામ મુલચંદાણીએ ગત સાધારણ સભાની મિનિટ્સ રજુ કરી હતી. વાર્ષિક અહેવાલ ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને ટ્રેઝરર શ્રી સમીર ચંદ્રાણીએ હિસાબો તથા બજેટ રજુ કર્યા હતા. ઓડિટર અંગેનો ઠરાવ શ્રી નરેન્દ્ર ટહેલરામાણીએ રજુ કર્યો અને તમામ ઠરાવો સર્વસંમતિથી મંજૂર થયા.

આગામી કાર્યકાળ માટે મેનેજીંગ કમિટીની વરણી રાજ્ય ડેપ્યુટી સેક્રેટરી શ્રી અશોકભાઈ શિલુએ હાથ ધરી હતી, જેમાં 18 સભ્યોની વરણી કરવામાં આવી. આગામી દિવસોમાં નવા ચેરમેન અને પદાધિકારીઓની જાહેરાત થશે.

રીપોર્ટમાં રેડ ક્રોસના નવા આયોજન અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી. શ્રી ગીરીશ ઠક્કરે બ્લડ સેન્ટર, આરોગ્ય ભવન તથા નવા પ્રોજેક્ટ અંગે માહિતી આપી, જ્યારે શ્રી અશોક શિલુએ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના લોકાર્પણ અંગે વિગત આપી.

પ્રમુખ અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સમગ્ર રેડ ક્રોસ ટીમની પ્રશંસા કરીને સેવાકીય ભાવના સાથે વધુ સક્રિય થવા અને જીલ્લા વ્યાપી સેવા કાર્યમાં સૌને જોડાવા અનુરોધ કર્યો. તેમણે ટીમ વર્ક અને સમર્પણની ભાવનાથી કામ કરવા માટે પણ પ્રેરણા આપી.

આભાર વિધી શ્રી કમલેશ ફોફંડીએ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. કેતન ટાંક દ્વારા કરવામાં આવ્યું.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ