વેરાવળ આરપીએફની ઈમાનદારીની સાક્ષી : મુસાફરને રૂ. 2.69 લાખનો સામાન પરત.

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના કર્મચારીઓ મુસાફરોની સુરક્ષા તથા સુવિધાને હંમેશાં પ્રથમ પ્રાથમિકતા આપે છે. એ જ ભાવનાને સાકાર કરતાં રેલવે સુરક્ષા બળ (RPF) વેરાવળ પોસ્ટના જવાનો ઈમાનદારી તથા સતર્કતાનું પ્રદર્શન કરી એક મુસાફરને રૂ. 2,69,000/- કિંમતનો કિંમતી પીઠથેલો સુરક્ષિત પરત આપ્યો.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે તા. 17 સપ્ટેમ્બર, 2025 (બુધવાર) ના રોજ એએસઆઈ વિકાસ યાદવ તથા તેમની ટીમને વેરાવળ સ્ટેશનના બુકિંગ ઓફિસ સામે એક કાળો લાવારિસ થેલો જોવા મળ્યો. આસપાસના મુસાફરોને પૂછપરછ કર્યા બાદ માલિક વિશે કોઈ માહિતી ન મળતાં, પંચોની હાજરીમાં થેલો તપાસવામાં આવ્યો. તપાસ દરમિયાન અંદરથી એક મોબાઈલ નંબર મળ્યો, જેના આધારે માલિક સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ થયો.

સંપર્ક કરતાં જાણવા મળ્યું કે થેલો મુસાફર કમલેશનો છે, જે ટ્રેન ક્રમાંક 19119 સવારી ગાડી દ્વારા રાજકોટથી વેરાવળ જઈ રહ્યા હતા. સ્ટેશન પર ઉતરતી વખતે તેઓ અજાણતાં પોતાનો થેલો રહી ગયો હતો. આરપીએફ દ્વારા તેમને તાત્કાલિક માહિતી આપવામાં આવી અને વેરાવળ પોસ્ટ પર બોલાવી સામાનની ઓળખ કરાવી. ઓળખ બાદ થેલો સુરક્ષિત રીતે તેમને પરત કરવામાં આવ્યો.

થેલામાં રહેલા સામાનમાં :

  • એપલ કંપનીનો આઈપેડ

  • ડેલ કંપનીનો લેપટોપ

  • એપલની ડિજિટલ ઘડિયાળ

  • એપલ એરપોડ્સ

  • રેડમી કંપનીનો મોબાઈલ ફોન

  • એપલ પાવર બેન્ક

  • હાર્ડ ડિસ્ક

  • આર્મીની ચશ્મા

  • ચાર્જર્સ તથા અગત્યની દસ્તાવેજ ફાઇલ

આ બધા સામાનની અંદાજિત કિંમત રૂ. 2.69 લાખ જેટલી હતી.

મુસાફરે કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતાં આરપીએફ વેરાવળ અને રેલવે પ્રશાસન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ પ્રશંસનીય કામગીરી બદલ આરપીએફના જવાનોને અભિનંદન પાઠવ્યા અને તેમના ફરજપ્રત્યેના નિષ્ઠા-ઈમાનદારીને બિરદાવતા પ્રોત્સાહન આપ્યું.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ