વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી, આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી શાંતિપૂર્વક અને ઉજાગર રીતે કરવામાં આવી. આ પ્રસંગે વેરાવળ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા ડેપોમાં આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં એસ.ટી.ડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સ્ટાફ તેમજ મુસાફરોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના તબીબો દ્વારા હાઈપર ટેન્શનના જોખમો અને તે કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ હાઈપર ટેન્શનના પરિબળો અને તેમનો જીવન પર પડતો પ્રભાવ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.

વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યુ કે, આ કેમ્પ દ્વારા ડ્રાઇવર, કંડકટર અને અન્ય સ્ટાફ તેમજ મુસાફરોને હાઈપર ટેન્શન સામે સાવચેત રહેવા માટે પ્રેરણા અને જરૂરી તબીબી ચકાસણી કરવામાં આવી છે. આ પ્રકારની આરોગ્ય પરીક્ષાઓ દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ