વેરાવળ (ગીર સોમનાથ) : નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એક વ્યાપક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં ડ્રોન એટેકનો કાંઈક બનાવટ દુર્ઘટના તરીકે ચિહ્નિત કરી તાત્કાલિક આપાતકાલીન સેવા કાર્યશક્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
મોકડ્રીલ દરમિયાન વેરાવળ કોસ્ટ ગાર્ડ પર ડ્રોન દ્વારા હુમલાની જાણકારી મળતા વેરાવળ કોસ્ટ ગાર્ડ અધિકારી દ્વારા તાત્કાલિક ગીર સોમનાથ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી. આ સાથે જ આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, વેરાવળ સીટી પોલીસ અને મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામગીરી હાથ ધરી.
આ વ્યાપક મોકડ્રીલ દ્વારા નાગરિક સુરક્ષા અને આપાતકાલીન સેવાઓની તૈયારીનું સંકલન કઇ રીતે થાય તે પરખાયું હતું. વેરાવળ કોસ્ટ ગાર્ડ સહિત તમામ ભાગ લેનાર તંત્રોએ સહકાર અને ઝડપી પ્રતિક્રિયા દ્વારા પ્રવૃત્તિ સફળતાપૂર્વક સંપન્ન કરી.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ