વેરાવળ ખારવાવાડ વિસ્તારમાં એલ.સી.બી.નો મોટો પ્રોહીબીશન પર્દાફાશ – ₹7.68 લાખનો વિદેશી દારૂ જપ્ત.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરીને એક મોટો પ્રોહીબીશનનો ગુનો ઝડપવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના અનુસાર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાના હેતુથી પ્રોહીબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ભંડાફોડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ સૂચના અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ખારવાવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી ₹7.68 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.

પ્રોહીબીશન એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં દારૂના કુલ 2844 નંગ શીલ પેક બોટલો તથા 366 નંગ બિયર ટીન મળી આવ્યા છે, જેની કુલ બજાર કિંમત રૂપિયા 7,68,880 થાય છે. આ દારૂ હીરાબેન નવીનભાઇ કુહાડાના મકાનમાંથી મળી આવ્યો હતો, પરંતુ ઈસમ હાલ ઘટનાસ્થળેથી ફરાર છે. પોલીસે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. ટીમ તેમજ મિશિંગ પર્સન સ્કોડની ટીમે ચુસ્ત કામગીરી બજાવી હતી.

આ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા નિયમિતપણે કરવામાં આવી રહી છે, જેનાથી શહેરમાં પ્રોહીબીશનના કાયદાનો અમલ સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો સાફ રીતે જોવા મળી રહ્યા છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.