વેરાવળ ખારવા સમાજ દ્વારા ૨૮મું સમૂહલગ્ન વિધિવત્ ઉજવાયું.

વેરાવળ ખાતે તા. ૧૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ સમસ્ત ખારવા સમાજ દ્વારા ૨૮મો સમૂહલગ્ન ભવ્ય ઉજવાયો. આ પાવન પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના આયોજન હેઠળ નવ વર-વધૂઓના લગ્ન સમાજના સનાતન મર્યાદાઓ અનુસાર સંપન્ન કરવામાં આવ્યા.

સમારોહમાં રાજકીય અને સામાજિક જગતના અગ્રણીઓ – જેમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર, મહામંત્રી દિલીપસિંહ બારડ, વેરાવળ શહેર પ્રમુખ શૈલેષ મેસવાણિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. Gujarat Kharva Samaj ના પ્રમુખ પવનભાઈ શીયાળ, માંગરોળ અને સુત્રાપાડા સહિતના ખારવા સમાજના પાટેલ અને પ્રમુખોએ પણ હાજરી આપી.

આ પ્રસંગે દરિયાઈ પટીના માછીમાર સમાજના પ્રતિનિધિઓ, વિવિધ બોટ એસોસિયેશનો, વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ હિન્દ સેવા સમિતિ, કોળી સમાજ, મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવદંપતીઓને આશીર્વાદ આપ્યા બાદ આયોજકો તરફથી તમામ પધારેલા મહેમાનો અને સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો. સમૂહલગ્નનું મુખ્ય ઉદ્દેશ સમાજના આર્થિક રીતે નબળા વર્ગને સહાયરૂપ થવા તેમજ સામૂહિક રીતે સંસ્કારસભર લગ્ન વિધિનો પ્રસાર કરવાનો રહ્યો છે.

આ કાર્યક્રમ સામાજિક એકતા અને સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહે તેવી ઉમદા લાગણી સાથે પૂર્ણ થયો.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ