વેરાવળ ગામતળ સહિત વિવિધ સમસ્યાઓનો ઉકેલ અને જિલ્લામાં વિવિધ કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર શ્ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા ગામતળના પ્રશ્નો અંગે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.

વર્ષો જૂના ગામતળના પડતર પ્રશ્નો, પ્રિ-મોન્સૂન કામગીરી, અતિક્રમણ સહિતના વિવિધ પ્રશ્નો વિશે આપી વિગતવાર માહિતી પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જેમાં વનવિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી ધાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. “જે જગ્યા સોંપવામાં આવી રહી છે તે ગ્રામજનો માટે જ સોંપવામાં આવી રહી છે. જે જગ્યા સોંપાઈ છે. તે નિયમોનુસાર જ છે અને ડિમાર્કેશન થવાથી ગ્રામ્ય વિસ્તારમાં સામૂદાયિક વિકાસના કામો જેવાં કે, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.વહીવટી તંત્ર દ્વારા બાબરિયામાં 60.62 હેક્ટર જમીન આપવામાં આવી છે. દબાણવાળા સ્થળો, પંચાયતના વિવિધ મુદ્દાઓ, માપણીના પ્રશ્નો વગેરે સમસ્યાઓનો ઉકેલ લાવીને ગામતળનો ઉકેલ લાવવામાં આવશે. જે પ્રક્રિયા ચાલુ છે. વધુમાં વનવિભાગ સાથે મળીને વહીવટી તંત્રના સંકલન દ્વારા સર્વે થઈ રહ્યો છે અને પંચાયત વિભાગ, મહેસૂલ સહિતના વિભાગો સાથે સંયુક્ત રીતે નિયમોનુસાર કાર્યવાહી થઈ રહી છે. જેથી આ અંગે મનમાં કોઈપણ પ્રકારની શંકા-કુશંકાઓ રાખ્યા વગર કબજો સંભાળી વિકાસના કાર્યમાં મદદરૂપ બને.વનવિભાગના પ્રશ્નોને લઈને જેપુર અને ભોજદે ગામના ગામતળની જે સમસ્યા છે. તેનો પણ થોડા સમયમાં ઉકેલ આવશે.

જ્યારે લીડ બેંક મેનેજર શ્રી ચેતન ઝવેરીએ જણાવ્યું હતું કે, જે રીતે અન્ય સ્થળ માટે હાઉસિંગ લોન અપાતી હોય છે એ જ રીતે લોન આપવામાં આવશે વધુમાં ગ્રામ પંચાયતોને પણ કોમ્યુનિટી હોલ સહિતની જનહિતલક્ષી સુવિધાઓ માટે લોન ઉપલબ્ધ થશે. ઉપરાંત ધામળેજ, સિંગસર, બડવલા સહિતના જે-જે ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું નહોતું. તેવા ગામની રજૂઆતોને ધ્યાને લઈ નર્મદાની લાઈનમાંથી 140 કરતા વધુ ભૂતિયા જોડાણો શોધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ તમામ ગામોના પાણીના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું.

અહેવાલ :- પ્રદીપ બાપુ (વેરાવળ)