વેરાવળ ઘટક–૧ દ્વારા પોષણ માસની ઉજવણી : કિશોરીઓમાં જાગૃતિ અભિયાન.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન કુપોષણ અને એનિમિયાનું નિવારણ કરવા પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સ્વરૂપે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. એ જ શ્રેણીમાં ગીર–સોમનાથ જિલ્લાના વેરાવળ ઘટક–૧ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી પોષણ માસના વિવિધ કાર્યક્રમો યોજાયા.

આ અવસરે કિશોરીઓની હિમોગ્લોબિન તેમજ બોડી માસ ઈન્ડેક્સ (BMI) તપાસ કરવામાં આવી. સાથે સાથે તેમને પૌષ્ટિક આહાર, સ્વચ્છતા તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

તજજ્ઞોએ ખાસ કરીને સમજાવ્યું કે આધુનિક સમયમાં વધતા જંકફૂડ અને તળેલા ખોરાકના કારણે કિશોરીઓમાં કુપોષણ તથા એનિમિયાનું જોખમ વધી રહ્યું છે. આવી સ્થિતિથી બચવા ઘરે જ ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્ય પદાર્થો – દાળ, અનાજ, લીલા શાકભાજી, ફળ, દૂધ તથા દૂધજન્ય પદાર્થોનો નિયમિત સેવન કરવો જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને દર માસે વજન અને ઊંચાઈ માપવાની રીત, નિયમિત આયર્ન–ફોલીક એસિડ ગોળીઓ લેવાની મહત્વતા તેમજ આરોગ્ય પર પોષણના સીધા પ્રભાવ વિશે સમજણ અપાઈ.

આ પોષણ માસના કાર્યક્રમોમાં આંગણવાડી વર્કર બહેનો, સુપરવાઈઝર બહેનો તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો. કિશોરીઓમાં કુપોષણ નિવારણ માટે આ પ્રકારની જાગૃતિ કાર્યક્રમો અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.


📌 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ