વિશ્વની સૌથી વિશાળ અને દુર્લભ પ્રજાતિની માછલી તેમજ ગુજરાતના દરિયાઈ ગૌરવ સમાન વ્હેલ શાર્કના સંરક્ષણ માટે રાજ્ય વનવિભાગ, વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને ટાટા કેમિકલ્સના સહયોગથી છેલ્લા ૨૦ વર્ષથી સફળ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત ભીડીયા રામેશ્વર મંદિર ખાતે ૧૭મા આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષણ અધિકારી મનીશ્વર રાજાે જણાવ્યું કે,
“વ્હેલ શાર્કને ‘વ્હાલી દીકરી’ સમજીને બચાવવી આપણી સૌની નૈતિક ફરજ છે. સરકાર દ્વારા જાળમાં ફસાયેલ વ્હેલ શાર્કને બચાવનાર સાગરખેડૂઓને વળતર આપવામાં આવે છે. નાગરિકો અને માછીમારોના સહકારથી આ અભિયાન સફળ બન્યું છે.”
જયંતિલાલ સોલંકીે જણાવ્યું કે, ફોરેસ્ટ વિભાગના સહયોગથી સાગરખેડૂ સમાજ છેલ્લા બે દાયકાથી સક્રિય ભાગ ભજવી રહ્યો છે. પ્રથમવાર કોળી સમાજને આ ઉજવણીમાં સામેલ કરાતા સમાજમાં આનંદ છવાયો હતો.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ નાટક મારફતે *“વ્હેલ શાર્ક બચાવો”*નો સંદેશ આપ્યો. વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંદીપ કુમાર તિવારીએ વિદ્યાર્થીઓની રજૂઆતને બિરદાવતા કહ્યું કે, આગામી સમયમાં આ અભિયાનને વધુ વ્યાપક બનાવાશે.
તજજ્ઞોએ વ્હેલ શાર્કની જૈવિક ગતિવિધિઓ, ગ્લોબલ વોર્મિંગ, દરિયાઈ પ્રદૂષણ તથા સરકારની નીતિઓ અંગે માહિતગાર કર્યું.
કાર્યક્રમમાં વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ બંદરના સાગરખેડૂઓને સન્માનિત કરાયા તેમજ ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા.
વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના પ્રોજેક્ટ મેનેજર પ્રવિણ કુમારે સ્વાગત પ્રવચન આપ્યું અને ફારૂખભાઈ બ્લોચે આભારવિધિ કરી.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, સહાયક વન સંરક્ષણ અધિકારી સુનિલ પ્રજાપતિ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.ડી. પંપાણિયા, ટાટા કેમિકલ્સ CSR હેડ મુકેશ સોલંકી, કોળી-ખારવા સમાજના આગેવાનો તથા વેરાવળ, ભીડિયા, હિરાકોટ, સૂત્રાપાડા, ધામળેજ, ચોરવાડ અને માંગરોળ બંદરના સાગરખેડૂઓ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ