વેરાવળ: વેરાવળના ડાભોર રોડ પર સ્થિત સ્વામી લીલાશાહ બાગ ખાતે મંગળવારે લાડી લોહાણા સિંધી પંચાયતની અગત્યની જનરલ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆત સ્વામી લીલાશાહ મહારાજની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જુની બોડી દ્વારા છેલ્લા કાર્યકાળના હિસાબ-કિતાબ રજૂ કરવામાં આવ્યા બાદ તેને બરખાસ્ત કરવામાં આવી હતી. બાદમાં પંચાયત માટે નવા હોદ્દેદારોની પસંદગી માટે ચુંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
મતદાન પ્રક્રિયામાં પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં વેરાવળ લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ તરીકે લાલચંદ શીતલદાસ ત્રિલોકાણીની પસંદગી કરવામાં આવી હતી.
નવી બોડીની રચનાના અનુસંધાને ઉપપ્રમુખ, સચિવ, ખજાનચી, ઓડિટર તેમજ યુવક મંડળના પ્રમુખ અને કારોબારી સભ્યોની નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવશે.
નવી બોડી અંગે વાત કરતાં પ્રમુખ લાલચંદ શીતલદાસ ત્રિલોકાણીએ જણાવ્યું કે, પંચાયતના વિકાસ કાર્યો સાથે સમાજના સર્વાંગી હિત માટે પારદર્શક કામગીરી હાથ ધરવામાં આવશે.
📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ