વેરાવળ : સમાજમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધારવા તથા રસીકરણના મહત્વ અંગે લોકોમાં અવગણના ઘટાડવા માટે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના એનએસએસ યુનિટ દ્વારા વિશેષ “રસીકરણ જાગૃતિ કાર્યક્રમ” યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ DPT બુસ્ટર, TD10 અને TD16 જેવી રસી અંગે સામાન્ય જનતા, ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરા દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી કાર્યની શરૂઆત કરાઈ હતી. તેમણે રસીકરણના વૈજ્ઞાનિક અને આરોગ્યલક્ષી દ્રષ્ટિકોણ વિશે વિદ્યાર્થીઓને વિગતવાર સમજ આપી હતી.
વિદ્યાર્થીઓને વિવિધ જૂથોમાં વિભાજિત કરીને વેરાવળ શહેર તથા નજીકના વિસ્તારોમાં ઘર-ઘરે જઈ, વાલીઓ અને પરિવારજનોને રસીના લાભો તથા રસી ન લેવાથી થતા જોખમો અંગે માહિતગાર બનાવ્યા હતા.
આ સમગ્ર અભિયાન કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આચાર્યશ્રીના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓમાં જવાબદારી, નૈતિકતા અને સમાજ માટે કરવાનું કંઈક ભાવ ધરાવતું હોય એવું અભિગમ વિકસિત થાય એ માટે NSS દ્વારા આવાં કાર્યક્રમો ખૂબજ મહત્વ ધરાવે છે. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે કે તેઓ માત્ર અભ્યાસપૂર્વક જ નહીં, પણ સમાજ અને દેશ માટે પણ યોગદાન આપી શકે.”
રસીકરણ જાગૃતિ કાર્યક્રમને લોકસમુદાય તરફથી પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. એનએસએસના વિદ્યાર્થીઓએ નિકળેલી ઝૂમપડપટ્ટીઓ, ઓછી સાક્ષરતા ધરાવતા વિસ્તારમાં પણ સરળ ભાષામાં સમજાવી, રસીકરણ તરફ લોકોનો દૃષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે યુવાશક્તિ જ્યારે સમાજ કલ્યાણ માટે પ્રયત્નશીલ બને ત્યારે પરિવર્તન માત્ર શક્ય જ નહીં, પણ અમલમાં પણ આવી શકે છે. વેરાવળ વિજ્ઞાન કોલેજનો આ પ્રયત્ન જાહેર આરોગ્યના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાનરૂપ સાબિત થયો છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ