ગિર સોમનાથને હરિયાળું બનાવવાનો સંકલ્પ લઇ વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા “એક પેડ મા કે નામ 2.0” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણીય જાગૃતિ અને વૃક્ષારોપણ પ્રત્યેની લાગણી વિકસાવવાનું ધ્યેય લઈને આ કાર્યક્રમમાં ફળદાયી તથા છાયાદાર વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા.
આચાર્ય ડૉ. એસ.બી. છગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરાના સંચાલનમાં 100થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. એન.એસ.એસના સ્વયંસેવકોએ રોપાઓ વિસ્તારના રહેવાસીઓને પਹੁંચાડ્યા, જેથી તેઓ ઘરઆંગણે, ખાલી પ્લોટમાં કે બગીચામાં તેનું રોપણ કરી શકે.
વિશેષ તકે, રોપા વિતરણ સાથે નાગરિકો પાસેથી વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, જેનાથી પર્યાવરણ માટેની જવાબદારીની ભાવના વધુ મજબૂત થાય. આવા અભિયાનથી વિદ્યાર્થીઓમાં પણ હરિયાળી પ્રત્યે સંવેદના ઊંડાવી શકે અને ભવિષ્યમાં આવા વધુ પ્રયાસો માટે તેઓ પ્રેરાય – એજ ઉદ્દેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ સમગ્ર અભિયાનમાં ઈન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટનો સહયોગ રહેલ હતો. એન.એસ.એસ.ના “Not Me, But You” સૂત્રને જીવંત બનાવતા દરેક રોપા સાથે હરિત ભવિષ્ય માટેનો સંદેશો વેરાયેલો જોવા મળ્યો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ