ભાવનગર, વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં છ મહિના પહેલા નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા શહેરમાંથી ઝડપી લીધો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના નિર્દેશ બાદ, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી કે આરોપી રામકિશન રામબાબુ શર્મા (ઉંમર ૪૨), હાલ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને હાજર છે. પોલીસે સ્થળ પર પહોંચી તેને કબજે લીધો.
આરોપી પર વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૩), ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધાયેલ હતો. ઉપરાંત, કર્ણાટકના દાઉનગરે જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટની કલમ ૬૬સી, ૬૬બી તથા ઈપીસી કલમ ૪૧૯, ૪૨૦ હેઠળ પણ ગુનો નોંધાયેલ છે.
રામકિશન શર્માનો ગુનાહિત ઈતિહાસ લાંબો છે, જેમાં કચ્છના ગાંધીધામ-અંજાર અને રાજસ્થાનના ભરતપુરમાં પણ છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુના નોંધાયેલા છે.
કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ વનરાજભાઈ ખુમાણ, માનદીપસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા અને દેવેન્દ્રસિંહ વાળાની ટીમે કરી હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.