વૈશાખ માસની માસિક શિવરાત્રી પર શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી: લઘુરુદ્રયજ્ઞથી લઈને મધ્યરાત્રિની મહાઆરતી સુધી શ્રદ્ધાનો મહાસાગર

સોમનાથ, તા. 25 મે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે વૈશાખ માસની માસિક શિવરાત્રીના પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. રવિવાર, કૃષ્ણ ત્રયોદશી ના શુભ દિવસે ભક્તિભાવના મોસમમાં ભગવાન મહાદેવને આરાધવામાં આવ્યા હતા.

સોમનાથ મંદિર ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા યજ્ઞશાળામાં શાસ્ત્રોકત પદ્ધતિથી લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો. યજ્ઞ દરમિયાન દૈનિક 121 રુદ્ર પાઠ સાથે પાઠાત્મક તથા હોમાત્મીક લઘુરુદ્ર તથા સોમેશ્વર મહાપૂજા કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

જ્યોત પૂજન અને મહાપૂજા દર્શન: શ્રદ્ધાળુઓનો ઉમટેલો જનસમૂહ

રાત્રે વિશેષ જ્યોતપૂજન નું આયોજન કરાયું હતું, જેમાં ગીર સોમનાથના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુ. નિપાબેન રાવલ, તીર્થ પુરોહિતો તથા ટ્રસ્ટના અગ્રણીઓએ ભાગ લીધો હતો. પૂજન પછી મહાદેવને અર્પણ સામગ્રી અર્પણ કરી મહાપૂજા કરવામાં આવી હતી.

મહાદેવની ભવ્ય આરતી મધરાતે 12 વાગ્યે મંદિરના પૂજારી અને તીર્થ પુરોહિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ “હર હર મહાદેવ” અને “જય સોમનાથ“ના જયઘોષ સાથે આરતીના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજાઇ ઉઠ્યું હતું.

શ્રદ્ધાનો અવિરત પ્રવાહ

શ્રી સોમનાથ મહાદેવનું એ સૌભાગ્યશાળી સ્થાન છે, જ્યાં દર માસે માસિક શિવરાત્રી પ્રસંગે શ્રદ્ધાનો મહાપર્વ ઉજવાય છે. આ વખતે પણ ભક્તિ, વેદમંત્ર અને આરતીની ગુંજ સાથે સોમનાથ ધામે વૈશાખ માસની શિવરાત્રી ભક્તિમય બની રહી.

અહેવાલ: દિપક જોશી – ગીર સોમનાથ