સુરત :
ગુજરાતમાં ચાંદીપુરા કેસમાં સતત વધારો થતા લોકોમાં ભય સાથે ફફડાટ છે. તેવા સમયે શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાયેલી સચિન વિસ્તારની ૧૨ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન આજે વહેલી સવારે નવી સિવિલ હોસ્પિટલમા મોત થયું હતું.
છેલ્લા થોડા દિવસોમાં રાજયના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપના લીધે ઘણા બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. દરમિયાન સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડ ખાતે રહેતી અને ધો. ૬ માં ભણતી ૧૨ વર્ષની સંધ્યા વિશાભર સિંગને બે-ત્રણ દિવસથી વધારે પડતો તાવ અને ઉલટી થઇ હતી. પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ખેંચ આવતા શનિવારે નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડંગમાં પીઆઇસીયુમાં દાખલ કરાઇ હતી. જ્યા આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું.
જ્યારે રાંદેરના મોરાભાગળ ખાતે રહેતી ૫ વર્ષીય અમરીતા પટેલ ત્રણ દિવસથી વધારે પડતો તાવ, ખેંચ જેવી તકલીફ હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.ત્યાંથી રવિવારે રાત્રે સિવિલ ખાતે વોર્ડમાં દાખલ કરી હતી. ચાંદીપુરા લક્ષણો હોવાથી વિવિધ સેમ્પલો લઈ વિવિધ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં તેનો મેલેરિયા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને બાળકોના ચાંદીપુરા અંગેના રિપોર્ટ આવ્યા નથી એમ સિવિલના અધિકારીએ કહ્યું હતું. સુરતમાં શંકાસ્પદ ચાંદીપુરાનો બે કેસ નોંધાતા તંત્રમાં દોડધામ છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)