શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ : સંસ્કૃતિ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સેપકટકરાવમાં ગાજવી સિદ્ધિ.

ભાવનગર, તા. ૧૨ ઓગસ્ટ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના આયોજન હેઠળ અને જિલ્લા રમતગમત અધિકારી (ભાવનગર ગ્રામ્ય) ના સંચાલન હેઠળ SGFI જિલ્લા કક્ષાની સેપકટકરાવ (બહેનો) સ્પર્ધાનું ભવ્ય આયોજન ભાવનગર ખાતે આજે, મંગળવાર, તા. ૧૨ ઓગસ્ટે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંચાલિત સંસ્કૃતિ સ્કૂલ ની અંડર-૧૭ કેટેગરીની બહેનોની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ સ્થાન મેળવ્યું છે. ટીમમાં ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીઓ — જોષી ધ્રુવી, દવે અનંતા અને વનાણી દિયા — એ પોતાના રમતકૌશલ્ય અને ટીમ વર્કથી સૌનું મન જીતી લીધું હતું.

જિલ્લા કક્ષાએ સ્થાન મેળવનારી આ ટીમ હવે રાજ્ય કક્ષાની સેપકટકરાવ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. તેમના આ ઉત્તમ પ્રદર્શન બદલ શાળાના સંચાલક અને ટ્રસ્ટી શ્રી પી.કે. મોરડિયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય શ્રીમતી સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર શ્રી ભાવેશભાઈ કસોટીયા, સુપરવાઈઝર તથા સમગ્ર શાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવાયા હતા.

વિદ્યાર્થીનીઓને રમત માટે તૈયાર કરનાર તેમના કોચ તથા મેનેજરને પણ ખાસ અભિનંદન આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ : સતાર મેતર, સિહોર