જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૨,૧૯,૫૮૫ બાળકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
ભાવિ પેઢીના આરોગ્યની દરકાર : ૬૬૯૪૦ બાળકોને સ્ક્રીનીંગ બાદ સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આપવામાં આવી
કિડની, લીવર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી ખર્ચાળ સર્જરીનો પણ સંપૂર્ણપણે નિ:શુલ્ક લાભ
જિલ્લામાં ૧૯ RBSK મોબાઇલ હેલ્થ ટીમ કાર્યરત
ખાસ લેખ સંકલન- ક્રિષ્ના સિસોદિયા
જૂનાગઢ જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત ૦ થી ૧૮ વયના કુલ ૨,૧૯,૫૮૫ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. આમ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકોના વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેની સાથે સાથે સ્વસ્થ આરોગ્ય મળે તેની પણ દરકાર કરી રહી છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૪ -૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨,૧૯,૫૮૫ બાળકોની આરોગ્ય તપાસણી આંગણવાડી, શાળાની મુલાકાત લઇ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઇલ હેલ્થ ટીમના મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા સૌપ્રથમ દરેક બાળકોનું પ્રાથમિક સ્ક્રિનિંગ કરીને સામાન્ય બીમારીવાળા કુલ ૬૬૯૪૦ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. તેમાંથી ગંભીર બીમારી ધરાવતા બાળકો કે જેમા હૃદયની બીમારીવાળા ૭૮ બાળકોને યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, કિડનીની બીમારીવાળા ૧૪ બાળકોને ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, કેન્સરની બીમારીવાળા ૧૩ બાળકોને ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટ અને બહેરા મુંગા ૪ બાળકોને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે, ક્લેફટ ક્લીપ અને પેલેટની ખામીવાળા ૧૨ બાળકોને મિશન સ્માઈલ ટ્રેન અંતર્ગત ધ્રુવ હોસ્પિટલ રાજકોટ ખાતે તેમજ કલબફુટની ખામીવાળા ૪૦ બાળકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સંદર્ભ સેવા હેઠળ રિફર કરી મફત સારવાર કરવામાં આવેલ છે. ઉપરોક્ત સમગ્ર કામગીરી જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આરસીએચ અધિકારી તથા તેમની RBSK ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૯ જેટલી RBSK(રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે.દરેક ટીમમાં બે આયુષ ડોક્ટર એક ફાર્માસીસ્ટ અને એક સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સમાવેશ થાય છે. જે બાળકની સારવાર બાદ ફોલો અપ લે છે. સાથે જ બાળકની યોગ્ય સારવાર માટે મદદરૂપ થાય છે.કેશોદની ૪ મહિનાની બાળકીને હૃદય રોગમાં મળી વિનામૂલ્યે સારવારરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા કેશોદ અર્બન વિસ્તારની આંગણવાડીની મુલાકાત દરમિયાન ૪ મહિનાની બાળકીની આરોગ્ય તપાસ કરતા હૃદય રોગની બીમારી જણાઈ હતી. જેથી બાળકીને વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાર પછી ઓપરેશન માટે અમદાવાદ રીફર કરવામાં આવી હતી.
અમદાવાદ ખાતે એક મહિનાની દવા – સારવાર બાદ તાજેતરમાં આ બાળકીનું સફળતાપુર્વક ઓપરેશન કરાયું હતું. હાલ બાળકીની તબિયત એકદમ સ્વસ્થ છે. આમ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અન્વયે હૃદય રોગ જેવી ગંભીર બીમારીમાં આ ચાર મહિનાની બાળકીને નવજીવન મળ્યું છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે.શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧ર માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં બાળકોની આરોગ્ય તપાસ અને સારવારની સાથે બાળકોના આરોગ્ય પર અસર કરતાં અન્ય પરિબળો અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વધુમાં શાળાની સફાઈ પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ, પોષણ યુક્ત આહાર માટેની જનજાગૃતિ, નિયમિત આરોગ્ય તપાસ, ઔષધિય રોપાઓનું વૃક્ષારોપણ, આઇ.એફ.એની દવાઓ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ, આરોગ્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી હોય છે. અત્રે ઉલ્લેખની છે કે, શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હ્ર્દય સંબંધિત સર્જરી અને સારવાર, કિડની સારવાર, કિડની – ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સારવાર, લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી, ક્લબ ફૂટ અને ક્લેફ્ટલિપ પેલેટ જેવી સુપર સ્પેશીયાલીટી સારવાર અને સર્જરી કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)