“શિક્ષક નહીં, માનવતાના યોધ્ધા: સમીર દતાણીનો ભોજનથી ભરેલો સંદેશ!”.

“જ્યાં સમજતા શિક્ષક હોય ત્યાં સમાજ બદલાય છે” – આ વાતને જીવંત કરનાર છે જલંધર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સમીરભાઈ દતાણી, જે નોકરીની સાથે સાથે માનવતાની મહેક ધરાવતા અનેક સેવાકીય કાર્યો સતત અંજામ આપે છે.

સમીરભાઈ દતાણી દરરોજ ૧૦૦ થી ૧૫૦ ગરીબ લોકોને ભોજન પિરસે છે, જે મોટેભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. તેઓ માત્ર ભોજન જ નથી કરાવતા, પણ જરૂરિયાતમંદો માટે રાશન કિટ, ચંપલ, ધાબળા, રેઇનકોટ, તાડપત્રી જેવી અનેક મદદરૂપ ચીજવસ્તુઓ પણ પૂરી પાડે છે.

તેમણે રચેલું ‘ગિરનારી ગ્રુપ‘ આજે ૧૦૦ સભ્યોના સહયોગથી સેવા યાત્રા ચાલુ રાખી રહ્યું છે. આ ગ્રુપ રોટેશન પદ્ધતિથી વિવિધ પરિવારો પાસેથી રસોઈ કરાવે છે, જેથી એમના ઘરમાં પણ આવક પેદા થાય.

રક્તદાન ક્ષેત્રે પણ સમીરભાઈની નોંધપાત્ર કામગીરી છે – અત્યાર સુધીમાં તેઓએ ૫૨ વખત રક્તદાન કર્યું છે અને દર મહિને બે થી ત્રણ રક્તદાન કેમ્પ આયોજિત કરે છે, ખાસ કરીને થેલેસેમિયા જેવી ગંભીર સ્થિતિઓ માટે.

તહેવારોની ઉજવણીને પણ તેઓ માનવતાની દૃષ્ટિથી જુએ છે. નવરાત્રીમાં ૧૧૦૦થી વધુ બાળાઓ માટે ગોયણી, શણગાર અને પ્રસાદ, દીવાળીમાં ફટાકડા, કપડાં, મીઠાઈ, તેમજ હોળી, મકરસંક્રાંતિ જેવા તહેવારોએ પણ ભાત્રીભાવ અને ઉમંગ સાથે તેમની સંસ્થા ગરીબ બાળકો માટે ખાસ આયોજન કરે છે.

જણાવવું અહીં યોગ્ય છે કે સમીરભાઈના જીવનમાં સેવાનો સંસ્કાર વારસામાં મળેલો છે. તેમના માતા અને દાદી વર્ષો સુધી અન્નક્ષેત્રમાં સેવા આપી ચૂક્યા છે. કોરોના સમય દરમિયાન તેમણે હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓને ભોજન પૂરુ પાડ્યું હતું.

તેઓના માર્ગદર્શન હેઠળ હવે સર્જીકલ સાધનો વિના ડિપોઝિટ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય, દેહદાન અને ચક્ષુદાન સંકલ્પ, વૃદ્ધોની યાત્રા, પુસ્તક પરબ, સર્વ રોગ નિદાન કેમ્પ, અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ છે.

સમીરભાઈ દતાણી કહે છે:

હું વ્યવસાયે શિક્ષક છું… પણ હૃદયથી સેવક છું.

આજના સમયમાં સમાજને આવા જ શિક્ષકોની જરૂર છે – જેઓ માત્ર પાઠ નથી ભણવતા, પણ જીવનના સાચા મૂલ્યો પણ વસાવતા હોય છે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ