જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, ભાવનગર તથા આઈસીડીએસ શાખા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસ શિહોરની આઈસીડીએસ કચેરી ખાતે ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલનથી થઈ, ત્યારબાદ “બેટી બચાવો, બેટી પાડાવો” યોજનાના મગ તથા મોમેન્ટો આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.
દહેજ પ્રતિબંધક અધિકારી તથા સહ રક્ષણ અધિકારી હેતલબેન દવેે નારી વંદન ઉત્સવના ઉદ્દેશ અને મહિલાઓના સશક્તિકરણ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. આરોગ્ય વિભાગની રૂપલબેન વૈષ્નવીએ કિશોરીઓના આરોગ્યમાં લોહીના પ્રમાણ (હિમોગ્લોબિન લેવલ)નું મહત્વ, તેની અછતના પરિણામો અને તેને દૂર કરવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું.
સી.ડી.પી.ઓ. નીતાબેન વ્યાસે કિશોરીઓને પોષણ, આરોગ્ય અને આંગણવાડીમાં મળતા પોષણ પેકેટના યોગ્ય ઉપયોગ અંગે સમજાવ્યું. OSC સેન્ટરની સંચાલિકા શુભાબેન મકવાણાએ સેન્ટરની પાંચ પ્રકારની સેવાઓ અંગે માહિતી આપી, જ્યારે PBSC મહિલા સહાયતા કેન્દ્રની રીનાબેન વાઘેલાએ કેન્દ્રમાં આવતા કેસો અને સહાયની પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજ આપી.
જિલ્લા પુર્ણા કન્સલ્ટન્ટ ગુલાબબેન દ્વારા પુર્ણા યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી તથા પુર્ણા પેકેટમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કર્યું. તેમણે મિલેટના પોષણમૂલ્ય અને તેના આરોગ્યલક્ષી ફાયદા અંગે કિશોરીઓમાં જાગૃતિ લાવી. DHEWના મિશન કોઓર્ડિનેટર સંજયભાઈએ મહિલા અને બાળ અધિકારી કચેરીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા.
કાર્યક્રમના અંતે કિશોરીઓને મેનસ્ટ્રુઅલ હાઇજીન કિટ આપવામાં આવી. વાનગી નિદર્શન સાથે કિશોરીઓના આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ જેમાં તમામ હાજર કિશોરીઓનું હિમોગ્લોબિન ચેક તથા સામાન્ય આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે, સી.ડી.પી.ઓ. નીતાબેન વ્યાસ, મેડિકલ ઓફિસર રૂપલબેન વૈષ્નવી, જિલ્લા પુર્ણા કન્સલ્ટન્ટ ગુલાબબેન, સુપરવાઇઝરશ્રી દુર્ગાબેન, આંગણવાડી બહેનો, OSC અને PBSCના કાઉન્સેલરો, શી ટીમ સિહોરના સભ્યો, DHEWના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર