શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને ભવ્ય બિલ્વપત્ર શૃંગાર સાથે અર્પિત ભક્તિ.

આજના પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનું અલૌકિક વાતાવરણ જોવા મળ્યું. ભાવિકોની વિશાળ ભીડની હાજરી વચ્ચે ભગવાન સોમનાથને ભવ્ય રીતે બિલ્વપત્રથી શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાન મહાદેવ પર અર્પિત થયેલ બિલ્વપત્ર શૃંગાર દર્શનાર્થે આવેલા હજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભક્તોએ અંતરના ભાવથી દર્શન કર્યા અને ભક્તિભાવથી મંડાયેલી આ પાવન ક્ષણે પોતાના જીવનને ધન્યમાન અનુભવ્યું. ભગવાન મહાદેવને અર્પિત બિલ્વપત્ર વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે “दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम्। अघोरपापसंपर्कं बिल्वपत्रं शिवर्पणम्॥”, એટલે કે બિલ્વ વૃક્ષનું દર્શન અને સ્પર્શ પણ પાપનાશક છે અને ઘોર પાપો માટે પણ બિલ્વપત્રનો મહાદેવને અર્પણ એ અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવના દર્શન માટે દેશવિદેશમાંથી ભાવિકો સોમનાથ ધામે ઉમટે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનો ધ્યાનમાં રાખી ખાસ સુવિધાઓ અને દર્શન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી ભગવાનના દર્શન કરી શકે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે કુલ ૭૦ ધ્વજાપૂજન, ૬૯ સોમેશ્વર મહાપૂજન અને ૧૦૦૭ રુદ્રાભિષેક પાઠ યોજવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા અંદાજ અનુસાર માત્ર આજના દિવસે સાંજના આરતી સમય સુધીમાં લગભગ ૯૦,૦૦૦થી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. ભગવાન સોમનાથનો આ દિવ્ય શૃંગાર અને ભક્તિસભર વાતાવરણ પવિત્ર શ્રાવણ માસની ઉજવણીને આદ્યાત્મિક ઊંચાઈ પર લઈ જાય છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.