સોમનાથ, તા. 04/08 – શ્રાવણ માસના પાવન બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે અવિરત ભક્તિ પ્રવાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે 4:00 વાગ્યાથી મંદિરના દ્વાર ખુલતા હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. દિનભર ભક્તિભાવમાં ગરકાવ તીર્થધામમાં સાંજના સાત વાગ્યા સુધીમાં 68 હજારથી વધુ ભાવિકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થાને સરળ અને સુવ્યવસ્થિત બનાવી દેવામાં આવી હતી. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક કાર્ટ, વ્હીલચેર તથા લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ ટ્રસ્ટ પરિવાર સાથે પાવન પાલખી પૂજા કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો. મંદિરમાં મહાદેવની પ્રતિમાના સ્વરૂપે પાલખી યાત્રા નિકળી હતી જેમાં હજારો ભક્તો ભક્તિભાવથી જોડાયા હતા.
આ દિવસે વિવિધ પ્રકારની પૂજાઓના સંકલ્પથી સોમનાથ મહાદેવનું મહિમા વધ્યો હતો. શ્રદ્ધાળુઓ દ્વારા 67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા, 947 રુદ્રી પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા સહિત અનેકવિધ આરાધનાઓ ભક્તિભાવથી કરાઈ હતી.
ભક્તજનો માટે મંદિરની બહાર ફરાળ તથા ભંડારા, તેમજ નિશુલ્ક ભોજનાલયમાં વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી, જેમાં હજારો ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
સાંજના સમયે મહાદેવનું વિશેષ રુદ્રાક્ષ શૃંગાર દર્શન કરાયું હતું, જેમાં સમગ્ર જ્યોતિર્લિંગ રુદ્રાક્ષથી અલંકૃત કરવામાં આવ્યું હતું. સાથે સાથે અન્નકૂટ મનોરથ પણ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના પગલે તીર્થધામ ભક્તિ અને આનંદની લાગણીઓથી ગુંજી ઉઠ્યું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ