શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને “અર્ક પુષ્પ અને વિવિધ શ્રૃંગાર”

સોમનાથ

શિવ ભક્તો નો મહાઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ હાલમાં ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવે છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે.

આજે શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલેકે આંકડાના પુષ્પો તેમજ વિવિધ રંગના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભકતોને અર્ક અને વિવિધ રંગના પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો.

સનાતન ધર્મમાં પ્રાચીન કાળથી મહાદેવને અર્ક પુષ્પની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પ ને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેમજ તેમના કર્મફળમાં સુધારો થાય છે, શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પરંપરાઓમાં જોવા મળે છે. અર્ક પુષ્પ અલંકૃત ભગવાન શિવજીના દર્શન કરવાથી ભક્તોનો સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)