સૌરાષ્ટ્રના શ્રદ્ધાકેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે શ્રાવણ કૃષ્ણ અમાવસ્યાના પાવન અવસરે વિશેષ કાર્યક્રમો યોજાયા.
આ અવસરે ભગવાન સોમનાથને અન્નકૂટ શ્રૃંગાર દર્શન કરાવવામાં આવ્યા. મંદિરમાં વિવિધ પ્રકારના મિષ્ઠાન, પકવાન, અન્ન અને ફળફ્રૂટનો ભવ્ય અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. મહાદેવને આ અન્નકૂટનો ભોગ ધરાવી ભક્તોને દર્શનનો અવસર આપવામાં આવ્યો.
અન્નકૂટ શ્રૃંગારનો આધ્યાત્મિક સંદેશ એવો છે કે – જેમ ભોજનમાં અનેક પ્રકારના સ્વાદ મળી જીવનમાં રુચિ જાળવી રાખે છે, તેમ માનવીના જીવનમાં આવતી ચડતી–ઉતરતી પરિસ્થિતિઓને પણ પ્રસાદ સમજી સ્વીકારવી જોઈએ. જીવનના દરેક તબક્કે ઉત્સાહપૂર્વક આગળ વધવું એજ શિવસંદેશ છે, એવો અભિપ્રાય ભક્તોએ દર્શન દરમિયાન વ્યક્ત કર્યો હતો.
શ્રાવણ માસમાં રોજિંદા ભક્તિ કાર્યક્રમો, રુદ્રાભિષેક, મહાપૂજા, ભક્તોની સેવા તથા વિવિધ ધાર્મિકવિધિઓ બાદ અમાસે શ્રાવણ રૂપી શિવોત્સવનો સમાપન અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યો.
આ દિવસે મંદિરમાં વિશેષ પૂજા–અર્ચના યોજાઈ હતી.
કુલ 52 ધ્વજાપૂજા ભક્તોની ઉપસ્થિતિમાં યોજાઈ
તેમજ 68 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી.
સાંજ સુધીમાં 79,879 થી વધુ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરી શ્રદ્ધા અર્પી. ભક્તોએ પૂજન–અર્ચનામાં ભાગ લઈને આનંદનો અનુભવ કર્યો.
મંદિર પ્રાંગણમાં સમગ્ર દિવસ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ અન્નકૂટના દર્શન સાથે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી કે જીવનમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ પ્રાપ્ત થાય.
સાંજના સમય સુધી મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં ઘંટનાદ, શિવમંત્રોચ્ચાર અને ભક્તિગીતોના મધુર સ્વરો ગુંજતા રહ્યા. ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.
આ રીતે શ્રાવણ માસ દરમિયાન ચાલેલા શિવોત્સવનો ભવ્ય સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર દર્શન સાથે થયો.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ