સોમનાથ તા. 13 — શ્રાવણ માસ, ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચનાનો પવિત્ર સમય, અને ચતુર્થી તિથિ, વિઘ્નહર્તા ગણપતિની આરાધના માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંને તિથિ — શ્રાવણ કૃષ્ણ ચતુર્થી અને પંચમી — એકસાથે આવતા સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ મંદિરમાં એક અનોખો શ્રૃંગાર કાર્યક્રમ યોજાયો.
મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાદેવને “શ્રીગણેશ દર્શન” શ્રૃંગારથી અલંકૃત કરવામાં આવ્યા. ચંદન, કેશર, વિવિધ રંગીન પુષ્પો અને આભૂષણોથી મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીગણેશની સુંદર પ્રતિકૃતિ સજાવવામાં આવી, જેનાથી દર્શનાર્થીઓને શિવ અને ગણેશ બંનેના સંયુક્ત દર્શનનો સુલભ અવસર મળ્યો.
ધાર્મિક માન્યતા મુજબ, મહાદેવના દર્શનથી તમામ પાપો નાશ પામે છે અને શ્રીગણેશના આશીર્વાદથી અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. આ સંયુક્ત શ્રૃંગારે ભાવિકોમાં અનોખી ભક્તિભાવના જગાવી, અને સોમનાથ ધામનો માહોલ સમગ્ર દિવસભર પૂજા-અર્ચના, ભજન અને શ્લોકોથી ગુંજી ઉઠ્યો.
સ્થાનિક પુજારીઓએ જણાવ્યું કે, “આજે ભક્તોને દ્વિગુણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે — વિઘ્નોના નાશ અને કાર્યોમાં સફળતાનો આશીર્વાદ.”
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ