શ્રાવણ માસના પવિત્ર મંગળવારે સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવાયા.

શ્રાવણ મહિનાના પવિત્ર મંગળવારે સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષરૂપે શ્રીનાથજીની થીમવાળા વાઘા અર્પણ કરાયા હતા. આ શણગાર પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. દાદાને પહેરાવેલા વાઘા રાજકોટના ભક્ત દ્વારા 7 દિવસના મ્હેનતભર્યા કાર્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.


સિંહાસન અને હવેલી શણગાર સાથે ભક્તોને મળ્યો અનોખો દિવ્ય દર્શનનો લહાવો
દાદાની હવેલી તથા સિંહાસનનો શણગાર શ્રીનાથજીની હવેલીની થીમ પ્રમાણે કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં બે મયુરોની પ્રતિકૃતિ પણ દર્શનાર્થે મૂકવામાં આવી હતી. આ વિશેષ શણગારને ભક્તોએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી નિહાળ્યો અને ઓનલાઈન મારફત પણ દર્શનનો લહાવો લીધો.


અનુષ્ઠાનો અને યજ્ઞના માધ્યમથી ભક્તિ ભાવનાનો પ્રવાહ
સવારના 5:30 વાગ્યે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરની યજ્ઞશાળામાં ‘મારુતિ યજ્ઞ’નું આયોજન થયું હતું. આજે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન 100 ભક્તો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ કરાશે.


શ્રાવણ માસના દરેક મંગળવારે વિશેષ કાર્યક્રમોની ભવ્યતા
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર મંગળવારે મંદિર પરિસરમાં વિવિધ સુંદરકાંડ મંડળો દ્વારા સવારે અને સાંજે સંગીતમય પાઠ યોજાશે. મંદિર તરફથી સાઉન્ડની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેથી ભક્તો અનોખી ભક્તિ અનુભવી શકે.


આનંદ ઉત્સવો સાથે પવિત્ર અન્નકૂટ તથા દૈનિક સેવા કાર્ય યથાવત્
તા.25-07-2025થી 28-08-2025 સુધી દાદાના દરબારમાં દર શનિવારે અલગ અલગ અન્નકૂટ – ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ, ચોકલેટ અને ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટનું ભવ્ય આયોજન થાય છે. સાથે સાથે દૈનિક ષોડશોપચાર પૂજન, રાજોપચાર આરતી અને પવિત્ર યજ્ઞની ધારાવાહિકતા જળવાઈ રહી છે.


શ્રીહરિ મંદિરમાં દીવાની શ્રીમદ ભાગવત કથા તથા હિંડોળાના દર્શન
શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં પ.પૂ. નારાયણમુની સ્વામી દ્વારા સાંજે 4 થી 6:30 દરમિયાન ભાગવત કથાનું રસપાન કરાવાય છે. સાથે જ હરિવક્તો માટે દરરોજ શ્રીહરિ હિંડોળા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


હનુમાન ચાલીસા પાઠનું દૈનિક અનુષ્ઠાન ભક્તોને આપી રહ્યું છે આત્મશાંતિનો અનુભવ
શ્રાવણ માસ દરમ્યાન પવિત્ર બ્રાહ્મણો દ્વારા દરરોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી દાદાના દરબારમાં હનુમાન ચાલીસાનું નિયમિત પાઠ કરવામાં આવે છે, જે ભક્તોમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરે છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ