સોમનાથ દર્શન માટે શ્રાવણ માસ દરમિયાન ભારે ભીડ ઉમટે છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી શક્યતા છે. આવા સમયે ટ્રાફિકના મસલાઓથી બચવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સોમનાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાય દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન સફારી બાયપાસ અને વેરાવળ તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ, વેણેશ્વર ચોકડી અને ન્યૂ ગૌરીકુંડ ખાતે આવેલા ટ્રસ્ટના પાર્કિંગ સુધી જ જઈ શકશે. અહીંથી દર્શનાર્થીઓને તેમના વાહનો પાર્ક કરી દર્શન માટે જવું પડશે. દર્શન પૂર્ણ થયા બાદ ત્રિવેણી રોડ પર આવેલા સિમેન્ટ રોડથી વાહનોને અવધુતેશ્વર મહાદેવના ત્રણ રસ્તા અને સફારી બાયપાસથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તદુપરાંત, ગુડલક સર્કલથી હમીરજી સર્કલ તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. ૨૫ જુલાઈથી ૨૩ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે, અને જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી ભોગવવી પડશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા દર્શનાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ટ્રાફિક વ્યવસ્થાનો સહકાર આપે અને નક્કી કરાયેલા રૂટ મુજબ જ વાહનો ચલાવે, જેથી શ્રાવણ માસ દરમ્યાન કોઈ અડચણ વિના દર્શન યાત્રા સુપેરે પાર પડી શકે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.