શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશિષ્ટ શણગાર.

શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડતાલધામના ઉપક્રમે, સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ રવિવાર, તા. 27-07-2025ના રોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.


પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ શણગાર આયોજન થયું હતું. કષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી વર્કના પ્યોર સિલ્કના દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને દાદાના સિંહાસનને 200 કિલો ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરાઈ હતી. સાથે જ 51 કિલો સુખડીનો વિશાળ અન્નકૂટ ધરાવાયો હતો. ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ ઉપસ્થિતિમાં તેમજ ઓનલાઈન લઇ ધન્યતા અનુભવી હતી.


પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આ ખાસ વાઘા વૃંદાવનના 4 કારીગરોએ 7 દિવસની મહેનતથી તૈયાર કર્યા છે. વાઘામાં ફૂલોની વિશેષ ડિઝાઈન દર્શાવવામાં આવી છે, અને આ સમગ્ર શણગાર શ્રાવણના પવિત્ર ભક્તિભાવને ઉજાગર કરે છે.


શ્રાવણ માસ દરમિયાન દર રવિવારે સાંજે 6:30 થી 7:00 કલાકે રાજોપચાર પૂજન તથા મહા સંધ્યા આરતીનું આયોજન થાય છે. ઉપરાંત, તા. 25-07-2025 થી 28-08-2025 દરમ્યાન વિશિષ્ટ શણગાર, દરેક શનિવારે ફૂટ અન્નકૂટ, છપન્ન ભોગ, ચોકલેટ તથા ડ્રાયફ્રુટ મીઠાઈના અન્નકૂટના કાર્યક્રમો યોજાશે.


આ સમયગાળા દરમિયાન સવારે અને સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન, તથા શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન પણ થશે. દર સોમવારે હનુમાનજીના શિવ સ્વરૂપમાં દિવ્ય શણગાર દર્શાવવામાં આવશે.


હનુમાન ચાલીસાનું પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી કરાશે. તેમજ શ્રીહરિ મંદિરમાં સાંજે 4 થી 6:30 કલાકે પ.પૂ. નારાયણમુની સ્વામી દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ