શ્રાવણ મહિનો શિવભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનો માટે વિશિષ્ટ ગણાય છે. આ પવિત્ર અવસરે તારીખ 04-08-2025ના રોજ શ્રાવણ માસના બીજા સોમવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શિવસ્વરૂપના વાઘા અને દિવ્ય શણગાર યોજાયો હતો.
આ કાર્યક્રમ શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે વડતાલધામના ઉપક્રમે આયોજન કરાયું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ, આ દિવસે સવારે સાંપ્રત 5:45 વાગે દિવ્ય શણગાર આરતી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી. ભક્તો અને શ્રદ્ધાળુઓએ આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં લીધો, જેમાં ઘણા ભક્તોએ ઓનલાઇન દ્વારા પણ ઉપસ્થિતિ નોંધાવી.
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસ 25-07-2025થી 28-08-2025 દરમિયાન વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવસ્વરૂપના શણગાર ઉપરાંત નીચેના કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે:
🔸 દર શનિવારે: ફળ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ મિઠાઈ અન્નકૂટ જેવા વિશિષ્ટ અન્નકૂટ દર્શન
🔸 દરરોજ: દૈનિક મારુતિ યજ્ઞ, સંગીતમય સુંદરકાંડ પાઠ, ષોડશોપચાર પૂજન, મહા સંધ્યા આરતી તથા રાજોપચાર પૂજન
🔸 દર સોમવારે: શિવસ્વરૂપના દિવ્ય વાઘા શણગાર
🔸 શ્રીહરિ મંદિર: હિંડોળા દર્શન અને વિવિધ શણગાર દર્શન
🔸 શ્રીમદ્ ભાગવત કથા: પ.પૂ. નારાયણમુની સ્વામી દ્વારા સાંજે 4 થી 6:30 કલાકે રોજ રસમય કથા વિહાર
🔸 હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન: સવારે 7 થી સાંજે 6 સુધી પવિત્ર બ્રાહ્મણો દ્વારા પાઠનું આયોજન
આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સાળંગપુરધામમાં ભક્તો માટે એક આધ્યાત્મિક મહોત્સવના દર્શન થાય છે, જેમાં ભક્તિ, શ્રદ્ધા અને સત્વિકતાનું મિલન જોવા મળે છે. દેશના વિવિધ પ્રદેશોથી ભક્તો દર્શનાર્થે ઉપસ્થિત થઈ હનુમાનજી અને શિવસ્વરૂપના દર્શનથી જીવનને ધન્ય બનાવી રહ્યા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ