સાળંગપુરધામ: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો આજે મંગળવાર નિમિતે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થયેલા આ ભાવભીનાં આયોજનમાં દાદાને સેવંતી, ગુલાબ અને એન્થોરિયમના કુલ 250 કિલો તાજા ફૂલોનો અલૌકિક શણગાર ધરાવવામાં આવ્યો હતો.
સવારના 5:30 વાગે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને પછી 7:00 વાગે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવી હતી. દાદાના શણગાર દર્શન માટે હજારો હરિભક્તો ભેગા થયા હતા અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
પૂજારી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સુરતના એક હરિભક્તે 7 દિવસ સુધી મહેનત કરીને ખાસ વાઘા તૈયાર કર્યા હતા જેને આજે દાદાને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે યજ્ઞશાળામાં પવિત્ર મારુતિ યજ્ઞનું આયોજન પણ કરાયું હતું. ભક્તિભાવ અને શ્રદ્ધાથી ઓતપ્રોત આ સમગ્ર કાર્યક્રમથી ધામમાં ભાવવૈભવ છવાઈ ગયું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.