શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

બનાસકાંઠા

યાત્રાધામ અંબાજીમાં ૧૨ થી ૧૮ મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલમતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૬ જેટલી સમિતિઓ બનાવાઈ છે.

પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 26 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે માટે અન્ય જિલ્લાઓના કલેકટરશ્રી ઓ સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટીંગ કરવામાં આવી છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે. 5000 જેટલા પોલીસકર્મીઓ 332 થી વધુ કેમેરા 20 જેટલી મહિલાઓની ‘સી’ ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધર્મ શાળાઓ અને હોટેલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રેવશ મંજુરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ SDRF ની ટીમ તેનાત રાખવામાં આવી છે. લોકોના જાન માલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધ કલોક સેવા બજાવશે. લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માઇભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું હતું.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 12 તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે , અને ભક્તો સવારે છ થી બાર વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે. LED સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે. બ્રોસર અને ક્યુ આર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે.

ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. 350 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં 2516 સંઘોનું રજીસ્ટ્રેશન થયુ હોવાની વિગતો પૂરી પાડી હતી. પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિત જિલ્લા ભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)