શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા.

અંબાજી

Advertisement

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રધ્ધાળુ માઇ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

નિ:શુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ૧૭ વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દર રોજ શ્રધ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજનપ્રસાદ પીરસવામાં આવે છે. જ્યારે સાંજે ભાખરી-શાક અને કઢી- ખીચડીનું ભોજન આપવામાં આવે છે.

આવતી કાલે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિતના પર પ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને ૧ લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી. સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પમાં શ્રધ્ધાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, મેડિકલ સેવાઓ, પીવાના શુદ્ધ પાણી, શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે ૨૭,૫૦૦ બીજા દિવસે ૬૫,૦૦૦ ત્રીજા દિવસે ૮૫,૨૪૦ ચોથા દિવસે ૯૮,૫૨૧ એમ કુલ ૨,૭૬,૨૬૧ યાત્રિકોએ નિ:શુલ્ક ભોજનપ્રસાદનો લાભ લીધો છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)

Advertisement