આવતીકાલ 10 જાન્યુઆરી 2025 થી ગુરુ દત્તાત્રેય સંસ્થાન, ગિરનાર તેમજ ભૂતનાથ મહાદેવ મંદિર,જૂનાગઢ ના મહંતશ્રી મહેશગીરી બાપુ દ્વારા શ્રી રાણેશ્વર મહાદેવ મંદિર , રાણપુર (ભેસાણ) ખાતે 40 દિવસીય અતિ દુર્લભ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.આ 40 દિવસ દરમ્યાન ગ્રહ , નક્ષત્રના પણ અતિ દુલર્ભ યોગ બની રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ યજ્ઞની તૈયારીઓ છેલ્લા 9 મહિનાઓથી ચાલી રહી છે અને યજ્ઞમાં ઉપયોગ માં લેવામાં આવનાર સામગ્રી જેમકે ગાયનું ઘી , અલગ અલગ યજ્ઞ માટે અલગ અલગ વૃક્ષના લાકડા , સંપૂર્ણ શુદ્ધ યજ્ઞ સામગ્રીઓ તથા અમુક દુર્લભ દ્રવ્યો કે જેની આહુતિ વિના કોઈપણ મહાયજ્ઞ પૂર્ણ ન થઇ શકે એવા દ્રવ્યો બીજા રાજ્યોમાંથી મેળવી અને યજ્ઞ માં ઉપયોગ લેવામાં આવનાર છે.
અહીં યજ્ઞશાળામાં અલગ અલગ યજ્ઞ માટે અલગ અલગ આકારમાં યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે ખાસ પ્રશિક્ષિત વિદ્વાન ભૂદેવ દ્વારા યજ્ઞશાળાનું સ્થળ, યજ્ઞશાળામાં સૂર્ય ના કિરણો તથા અન્ય ભૌગોલિક પરિબળો ને સુસંગત રીતે યજ્ઞશાળા તથા વિવિધ યજ્ઞકુંડ શાસ્ત્રોક્ત વિધાનમાં સૂચવ્યા મુજબ બનાવવામાં આવેલ છે.
આ યજ્ઞોત્સવમાં ગુજરાત ના વિવિધ ક્ષેત્રોમાંથી કુલ 200 વિદ્વાન બ્રાહ્મણો સતત 40 દિવસ સુધી યજ્ઞ એવમ અનુષ્ઠાન દ્વારા આ ગુજરાતમાં ક્યારેય ન થયેલ ‘ ન ભૂતો ન ભવિષ્યતિ ‘ કહી શકાય એવો યજ્ઞ કરશે.
આ યજ્ઞ ના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ જોશી (ડાકોરકર) છે.જેઓએ ઊંડો વૈદિક યજ્ઞ નો અભ્યાસ કર્યો છે તેમજ વિપ્ર પુત્ર પથ જેવા વૈદિક શિક્ષાના અભિયાન ચલાવ્યા છે.
40 દિવસ ચાલનાર દિવ્ય અને ભવ્ય યજ્ઞોત્સવમાં ભારતના અલગ અલગ પ્રાંત માંથી આધ્યાત્મિક વિભૂતિઓ આશીર્વાદ અર્થે ઉપસ્થિત રહેનાર છે જેમાં શ્રી રામ મંદિર અયોધ્યા માટે જેમણે શુભ મુહુર્ત નક્કી કર્યુ હતું અને ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એ વેદ પુરુષ કાશીના પ્રખ્યાત વિદ્વાન આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ પણ આ યજ્ઞમાં આશીર્વાદ આપવા આવી રહ્યા છે.
આ અતિ અલૌકિક યજ્ઞો સંસ્કૃત ભાષામાં D.Litt અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ડો.મહાદેવપ્રસાદ મહેતા ની પણ ઉપસ્થિતિ માર્ગદર્શન અને આશીર્વાદ માટે રહેશે.
ગિરનાર,સૌરાષ્ટ્ર અને ભારતભરમાંથી આશરે ૫૦૦૦ સંતો આશીર્વાદ આપવા પધારશે, ૪૦ દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં ભાવિકો, ભક્તો દર્શન અને પ્રસાદ નો લાભ લેશે.
આ ઉત્સવ દરમ્યાન તારીખ ૧૪ જાન્યુઆરી ,૧૯ જાન્યુઆરી ,૨૨ જાન્યુઆરી , ૬ ફેબ્રુઆરી અને ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ના દિવસે રાત્રે ૯ કલાકે ગુજરાત ના નામી કલાકારો ભવ્ય સંતવાણી રજુ કરશે.
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે આ સનાતન વૈદિક ધર્મોત્સવ – યજ્ઞાનુષ્ઠાન મહોત્સવની પૂર્ણાહુતિ છે જેમાં માં અન્નપૂર્ણા માતાનો રાજોપચાર પૂજન સાથે યજ્ઞ અને છપ્પન ભોગ થશે અને ભવ્ય ભંડારો થશે અને લાખો ભાવિકો,ભક્તો દર્શન પ્રસાદ નો લાભ લેશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)