શ્રી સદગુરુધામ બરુમાળ રજતોત્સવમાં આરએસએસના સરસંઘચાલક મોહનજી ભાગવતની વિશિષ્ટ હાજરી!

ધરમપુર, તા. 11 એપ્રિલ 2025
શ્રી સદગુરુધામ બરુમાળ ખાતે ભગવાન ભાવભાવેશ્વર મહાદેવના પાવન રજતોત્સવ પ્રસંગે આજે શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવત વિશિષ્ટ ઉપસ્થિતિ આપી રહ્યા છે. તેઓ યજ્ઞમાં આહુતી આપે પછી જનજાતિ ક્ષેત્રના અગ્રણી કાર્યકર્તાઓ સાથે વિમર્શ કરશે.

આજના મુખ્ય કાર્યક્રમોમાં 25 કિલોગ્રામ રજત નાગની ભગવાન ભાવભાવેશ્વરને અર્પણ, પરમ પૂજ્ય ગુરૂદેવના 51મા આચાર્ય મહામંડલેશ્વર પટ્ટાભિષેક સમારોહ, યજ્ઞની પૂર્ણાહુતિ તથા ‘સંકલ્પ સનાતન સભા’નો સમાવેશ થાય છે. રજતોત્સવમાં સમગ્ર પ્રદેશમાંથી ઉપસ્થિત થયેલા સત્સંગી ભક્તો અને ગુણગ્રાહક ગણમાન્ય મહેમાનોની વિશાળ હાજરી નોંધાશે.

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રજતોત્સવ પ્રસંગે શ્રી સદગુરુધામ પધારી ભગવાન ભાવભાવેશ્વરના આશીર્વાદ લીધા હતા અને રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે શંકરાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતીજી સહિત દેશભરના અનેક વિખ્યાત સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પાવન પ્રસંગે ગુરુકૃપા પ્રાપ્ત કરવા હર્ષોલ્લાસભેર ભક્તજનોની ઉમટી પડતી જોવા મળશે અને સમગ્ર તીર્થધામ ભક્તિમય માહોલમાં ગરકી જશે.


અહેવાલ : સુરેશ પરેરા, ધરમપુર