શ્રી સર્વોદય મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ.

ભીલાડ ખાતે શ્રી સર્વોદય મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ૨૦૨૫ નો શુભારંભ આજે પ્રથમ નોરતે માતાજીની પૂજા અર્ચના અને ઘટ સ્થાપન સાથે કરવામાં આવ્યો હતો. સ્થાપના વિધિ મંડળના પ્રમુખ હિરેનભાઈ પટેલ તથા તેમના પરિવારજનો દ્વારા ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી.

પ્રથમ નોરતે માતાજીની આરતી ઉતારવાનો લાભ વિશ્વ હિંદુ પરિષદ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ પિયુષભાઈ એ. શાહ તથા વિનાયકવાલા દિનેશભાઈ ગુપ્તાજી પરિવારને મળ્યો હતો. ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવના વાતાવરણમાં ઉપસ્થિત તમામ ભક્તોએ માં અંબાની આરાધના કરી હતી.

આજે ભીલાડ માટે વિશેષ ગૌરવનો ક્ષણ રહ્યો હતો, કારણ કે તાજેતરમાં જ નિમણૂક પામેલા અને પ્રથમ નોરતે પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળનાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવાર સાહેબ પોતાના સમગ્ર પોલીસ સ્ટાફ સાથે નવરાત્રી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સહુ સાથે મળી માતાજીની આરતી ઉતારી અને આ પાવન ક્ષણે ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા ઉપાધ્યક્ષ અંકિતભાઈ શાહ, ગૌતમભાઈ કિતાવત, હિતેશભાઈ પૂનમિયા, વિનોદભાઈ સંચેતી, તથા શ્રી સર્વોદય મિત્ર મંડળના તમામ કાર્યકરો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉમરગામ તથા ભીલાડના ભક્તો, વડીલો, ભાઈ-બહેનો સહિત આમંત્રિત મહેમાનો સંગીતના મધુર સ્વરો સાથે માં અંબાની આરતી ઉતારી ભાવભેર જોડાયા હતા.

શ્રી સર્વોદય મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવને ભવ્ય અને શ્રદ્ધાભર્યો બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ સંગીત, આરતી, તેમજ લોકકલાની અનોખી છટાથી આવતા નવ દિવસો સુધી આ મહોત્સવમાં ભક્તો ઉમટી પડવાના છે.


અહેવાલ : વિજય રાઠોડ, ઉમરગામ