ભારતને ટી.બી. મુક્ત બનાવવાનો જે ધ્યેય દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મૂક્યો છે, તેને સિદ્ધ કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ અને ભાવનાત્મક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગિર સોમનાથ જિલ્લામાં ટી.બી. (ક્ષય રોગ) થી પીડાતા 300 દર્દીઓને પોષણયુક્ત આહાર કિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક દર્દીને 8 કિલોગ્રામની પોષણયુક્ત કિટ આપવામાં આવી, જેમાં ચણા, ગોળ, મગ, તુવેર દાળ, ચોખા, શીંગદાણા, સોયાબીન અને સિંગતેલનો સમાવેશ થાય છે.
આ વિતરણ કાર્યક્રમ શ્રી સોમનાથ તીર્થના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. માન. ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય ના હસ્તે કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેડી પરમાર એ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે “અન્ન એ બ્રહ્મ છે”, અને પોષણયુક્ત આહાર માત્ર શરીર નહીં, પણ મન અને આત્માને પણ શક્તિ આપે છે. પોષણથી દુરબળ શરીર ફરી સશક્ત બની શકે છે. આ પ્રકારની સેવા દ્વારા-trust માનવીય દાયિત્વ નિભાવી રહ્યો છે.
કલેક્ટર ઉપાધ્યાય એ જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટ “નિક્ષય મિત્ર” બનીને જે દાયિત્વ નિભાવી રહ્યું છે તે અનન્ય છે. 6 મહિનાની અવધિ દરમિયાન કુલ 14,400 કિ.ગ્રા પોષણયુક્ત આહાર સામગ્રી વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે સંસદ સભ્ય, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાળ, નગરપાલિકા પ્રમુખ પલ્લીબેન જાની, અધિક કલેક્ટર રાજેશભાઈ આલ, આરોગ્ય અધિકારી અરુણ રોય અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
દર્દીઓ અને તેમના પરિવારજનો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનપ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી તેઓ આ માનવીય સમારંભનો શ્રદ્ધાપૂર્વક લાભ લઈ શકે.
સૌ સાથે મળીને, ટ્રસ્ટના કાર્યકરો અને તંત્રે “ટીબી મુક્ત ભારત”ના મિશનને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ