શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શિલાન્યાસ સમારોહ : શિક્ષણ અને સંસ્કૃતિના નવા અધ્યાયની શરૂઆત!

વેરાવળ, તા. 18 એપ્રિલ, 2025
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આગામી તા. 19 એપ્રિલ, શનિવારે બપોરે 1:00 વાગ્યે ભવ્ય શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોઇઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચના શિલાન્યાસ વિધિ સંપન્ન થશે.

આ ઐતિહાસિક અવસરે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા જૂનાગઢના લોકસભા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા મહેમાન વિશેષ તરીકે ઉપસ્થિત રહી શિલાન્યાસ વિધિ કરશે.

આ સમારોહમાં ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ, વહીવટીતંત્રના અગ્રણીઓ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે જ્યારે પ્રભારી કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલ આમંત્રક તરીકે પોતાની જવાબદારી નિભાવી રહેલા છે.

વિશ્વવિદ્યાલયે “ગુણોત્કર્ષ વર્ષ 2024-25” અંતર્ગત વિવિધ ઉત્કૃષ્ટ કાર્યક્રમોનો આયોજન કરેલું છે. એ શ્રેણીનો એક મહત્વપૂર્ણ તબક્કો ગણાતા આ શિલાન્યાસ સમારોહ વિશે પ્રભારી કુલસચિવએ જણાવ્યું કે, “આ અવસર યુનિવર્સિટી માટે માત્ર ઐતિહાસિક જ નહીં, પણ ભાવિ પેઢીઓને ઉત્તમ સુવિધાઓના સ્વરૂપે શિક્ષણ અને સંસ્કૃતિનું દૈદીપ્યમાન ભવિષ્ય સર્જશે.”

આ કાર્યક્રમ માટે સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં તકલીફ વિના વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા જનતામાં પણ કાર્યક્રમને લઇને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ :
પ્રકાશ કારાણી – વેરાવળ