શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગ યોજાશે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતી, ગીર સોમનાથ દ્વારા સંયુક્ત આયોજન હેઠળ વેરાવળ-સોમનાથમાં તારીખ ૩૧ જુલાઈથી ૬ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન સંસ્કૃત સંભાષણ વર્ગ યોજાનાર છે. વર્ગનું મુખ્ય ઉદ્દેશ વેરાવળ નગરજનો સંસ્કૃત ભાષામાં સરળતાથી વાતચીત કરી શકે અને સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવાનો છે.

આ આયોજનની પૂર્વ તૈયારી તરીકે યુનિવર્સિટી ખાતે મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકોની વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ સાહેબ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કુલસચિવ ડૉ. મહેશકુમાર મૈત્રાએ સંસ્કૃત સંભાષણ વર્ગની રચના, મહત્વ અને યોજનાને લઈને વિગતવાર માહિતી આપી હતી.

આ બેઠકમાં વેરાવળના અનેક પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમ કે ગિરીશભાઈ કોટેચા, ડૉ. સંજય પરમાર, ડૉ. સુનીલ જેઠવા, પ્રો. વિનોદ ઝા, પ્રિ. સ્મિતાબેન ચગ, ડૉ. કિરણ ડામોર, ડૉ. વિપુલ જાદવ સહિત અનેક શૈક્ષણિક અને સામાજિક હસ્તીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. દરેક મહાનુભાવોએ સંસ્કૃતના સંવર્ધન માટે પોતાના સૂચનો આપ્યાં હતા અને સંસ્કૃત સેવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમના અંતે માનનીય કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિએ અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું જેમાં તેમણે સંસ્કૃત ભાષાના વૈશ્વિક મહત્વ પર પ્રકાશ ફેંક્યો હતો અને યુનિવર્સિટીની સંસ્કૃત પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર સત્રનું સંચાલન ડૉ. ડી.એમ. મોકરિયાએ કર્યું હતું.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ