સંપત્તિ માલિકી હકથી ગ્રામીણ ભારતનું સશક્તિકરણ એટલે સ્વામિત્વ યોજના

સ્વામિત્વ યોજનામાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર, ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૭૫,૭૪૫ જેટલા પ્રોપર્ટી કાર્ડ કરાયા વિતરણ

ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી જિલ્લાના ૧૧૩૬ ગામોમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, ૫૧૫ ગામમાં પ્રમોગેશનની કામગીરી કરાઈ પૂર્ણ

પ્રોપર્ટી કાર્ડ થકી હવે હું યોજનાકીય લાભ તથા લોન મેળવી શકું છું, સરકારશ્રીનો આભાર વ્યકત કરતા:- લાભાર્થી દિલીપકુમાર રાવલ*

સ્વામિત્વ યોજના (સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા) ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્વામિત્વ યોજનાને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે ત્યારે ગ્રામિણોને સંપત્તિના અધિકાર આપતી આ યોજનાના અમલીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ યોજના અંતર્ગત કુલ ૧૩ તબક્કામાં કામગીરી કરવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક આપેલ છે જે પૂર્ણ કરવા બનાસકાંઠા જિલ્લા મોજણી તંત્ર કટિબદ્ધ બન્યું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં પ્રોપર્ટી સંબંધી માલિકીની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતના નકશા બનાવી મિલકત ધારકોને રેકોર્ડ ઓફ રાઈટ એટલે કે કાનૂની માલિકી હક આપવામાં આવે છે.

આ અંગે બનાસકાંઠા જમીન દફતર જિલ્લા નીરિક્ષકશ્રી નવલકુમાર જણાવે છે કે, સ્વામિત્વ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૩૬ ગામ ખાતે ડ્રોન દ્વારા સર્વે કરાયો છે. ૧૧૩૬ ગામો પૈકી કુલ ૯૨૧ ગામના નકશા જિલ્લા નિરીક્ષક લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ઉપલબ્ધ થતા કુલ ૫૧૫ ગામમાં પ્રમોગેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે. જિલ્લામાં અત્યારસુધી કુલ ૭૫,૭૪૫ જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી ગ્રામ પંચાયતો ખાતે લાભાર્થીઓને વિતરણ કરાયા છે. બાકી રહેલા ગામમાં હક ચોક્સી સહિતની કામગીરી પ્રગતિ હેઠળ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં બનાસકાંઠા જિલ્લો રાજયમાં અગ્ર હરોળમાં છે.

સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ મેળવનાર વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના લાભાર્થી દિલીપકુમાર રાવલ જણાવે છે, પહેલા મારા ઘરનું પ્રોપર્ટી કાર્ડ નહોતું, પણ સરકારશ્રીની સ્વામિત્વ યોજના હેઠળ મને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાયું છે. આ કાર્ડ થકી હવે હું સરકારશ્રીની કોઈપણ યોજના હેઠળ લાભ લઈ શકું છું તથા લોન પણ મેળવી શકું છું. નિઃશુલ્ક પ્રોપર્ટી કાર્ડ મળતા તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

અહી નોંધનીય છે કે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસના આયોજન તેમજ પ્રોપર્ટીની ટકરારો દૂર કરવા સચોટ જમીન રેકર્ડ તૈયાર કરવું, લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા માટે કરી શકે જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવે, સંપત્તિ કરનું ચોક્કસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને પ્રાપ્ત થશે તેમ જ રાજ્યના રાજકોષમાં વૃદ્ધિ થશે, આ યોજના અંતર્ગત તૈયાર થયેલ જી.આઇ.એસ નકશાઓનો ઉપયોગ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોને ખાનગી તથા સરકારી મિલકતના માલિકી હક જાણી શકાશે, હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ અને ગણતરી કરી શકાશે, ગામડાઓમાં દબાણથી સુરક્ષા મળી રહેશે, ગ્રામ પંચાયતની આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ થશે તથા સંપત્તિ રજીસ્ટરનું આધુનિકરણ થશે

અહેવાલ :- બ્યુરો, (પાલનપુર) .