સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે ‘બેગલેસ ડે’ની ઉજવણી અંતર્ગત શૈક્ષણિક આનંદનો રંગછટાયો.

સિહોરની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે શનિવારે “બેગલેસ ડે”ની ઉજવણીના ભાગરૂપે વિવિધ ઉત્સાહભરી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યા પ્રિ-સ્કૂલ, ધોરણ-1, 2 તથા ધોરણ-6 થી 8 (સ્ટાર ક્લાસ) સુધીના વિદ્યાર્થીઓએ તેમાં ઉમંગભેર ભાગ લીધો.

NEP-2020 તથા NCF-SE 2023 અંતર્ગત બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે શિક્ષણને મોજમસ્તી અને સર્જનાત્મકતાથી જોડતી ‘બેગલેસ ડે’ જેવી પહેલ અનિવાર્ય બની છે. રાજ્ય સરકારે ધોરણ 6થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 10 દિવસ ‘બેગલેસ અભ્યાસ’ને અનિવાર્ય બનાવ્યો છે – જેને અનુરૂપ શાળાએ ઉત્સાહભર્યું આયોજન કર્યું.

વિદ્યા પ્રિ-સ્કૂલ તથા ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે રમતો, ડાન્સ, ગરબા જેવી પ્રવૃત્તિઓ સાથે સ્માર્ટ ટીવીમાં છોટા ભીમ અને બાલ ગણેશા જેવી લોકપ્રિય મૂવીઝ દર્શાવવામાં આવી – જેને બાળકોએ ખૂબ જ આનંદ સાથે માણી.

તેમજ ધોરણ 6 થી 8 (સ્ટાર ક્લાસ) ના વિદ્યાર્થીઓને ગૌતમેશ્વર મંદિર ખાતે પ્રવાસે લઈ જવાયા હતા. ત્યાં વિદ્યાર્થીઓએ મહાદેવના દર્શન કર્યા અને પ્રકૃતિના સાંનિધ્યમાં રહેલી શાંતિભરી વાતાવરણમાં રમતો રમીને એક નવા પ્રકારનો શૈક્ષણિક દિવસ ઉજવ્યો.

આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના ટ્રસ્ટી શ્રી પી.કે. મોરડિયા સાહેબના માર્ગદર્શન અને પ્રયત્નો નોંધપાત્ર રહ્યા. ઉપરાંત કેમ્પસ ડાયરેક્ટર અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્યશ્રી સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર ભાવેશભાઈ કસોટિયા, સુપરવાઈઝરો અને શિક્ષક મંડળની સક્રિય સહભાગીતાથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

અહેવાલ: સતાર મેતર, સિહોર