સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય, જુનાગઢ ખાતે આજે વિશ્વ વરુ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય વરુના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું.
૧૮૬૩માં જૂનાગઢના નવાબ મોહબતખાનજી બાબી-૨ દ્વારા સ્થાપિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે, જે ૮૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં ગંભીર રીતે જોખમમાં રહેલી પ્રજાતિઓ માટે આંતરરાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિઓ કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક કાર્યરત છે. આ પ્રોગ્રામ હેઠળ એશિયાઇ સિંહ, ભારતીય વરુ, ચૌસિંગા, ઘુડખર, ચિંકારા અને ગીધ સહિતની પ્રજાતિઓના સંરક્ષણ માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે.
ભારતીય વરુના સંરક્ષણ માટે અહીં સ્થપાયેલ બ્રીડિંગ સેન્ટરમાં ૧૦૦થી વધુ વરુઓનું સંવર્ધન કરવામાં આવે છે. જુદા જુદા ઝૂઓ અને સફારી પાર્ક્સ સાથેના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા વરુઓની સંખ્યા વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી વરુઓ બનાસકાંઠા ડિવિઝન, આંબરડી સફારી પાર્ક, દેવળિયા સફારી પાર્ક અને ધ્રાંગધ્રા ખાતે મોકલવામાં આવ્યા છે.
વિશ્વ વરુ દિવસના અવસરે બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરશ્રીઓને આમંત્રિત કરી ભારતીય વરુ વિષે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. પરિક્ષેત્ર વન અધિકારી, બાયોલોજિસ્ટ્સ, એજ્યુકેશન ઓફિસર, વનપાલ, વનરક્ષકો તથા સ્ટાફ દ્વારા વરુના સંરક્ષણ માટે બ્રીડિંગ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી.
આ પ્રસંગે વરુના પર્યાવરણીય મહત્વ, તેમની માટેના જોખમો અને સંરક્ષણની આવશ્યકતા અંગે જાગૃતિ રેલી પણ યોજાઈ. વિદ્યાર્થીઓને વરુના સંરક્ષણ માટે સક્રિય ભાગ ભજવવા પ્રેરિત કરવામાં આવ્યા.