જૂનાગઢ શહેરમાં કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા 2024-25 દરમિયાન સામાજિક અને ઘરમાં હિંસાનો ભોગ બનેલી મહિલાઓને વ્યાપક મદદ અપાઈ છે. વર્ષ એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન કુલ 148 મહિલાઓએ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. આ તમામ કેસોમાં વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવી હતી, જેમાં સૌથી વધુ કાઉન્સેલિંગ સેવા પૂરાઈ હતી.
સેન્ટર દ્વારા 108 મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યારે 147 કેસોનું સુખદ સમાધાન કરાયું હતું. જરૂર જણાય ત્યારે મહિલાઓને તબીબી સારવાર, પોલીસની સહાય તેમજ કાનૂની માર્ગદર્શન પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવાયું હતું.
સખી વન સ્ટોપ સેન્ટર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં કાર્યરત છે, જેમાં મહિલાઓને એક જ છત નીચે તમામ જરૂરી સેવાઓ મળે એ હેતુ રહેલો છે. જૂનાગઢ સેન્ટર લેબર કોર્ટ પાસે, હાથીખાના ચોક પાસે આવેલી બહેરા મુંગા શાળાના ગેટની અંદર 2018થી 24×7 કાર્યરત છે.
દિલ્લા મહિલા અને બાળ અધિકારી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી બી. ડી. ભાડના માર્ગદર્શન હેઠળ સેન્ટર સતત અસરકારક કામગીરી કરી રહ્યું છે. જિલ્લાની દેખરેખ સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા છે, જે સમયાંતરે સેન્ટરની કામગીરીની સમીક્ષા કરે છે.
જો કોઈ મહિલાને શારીરિક કે માનસિક ત્રાસની ફરિયાદ હોય તો તેઓ સીધો સંપર્ક નંબર 0285-2622100 પર કરી શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ