જૂનાગઢ, તા. ૨૩ – રાજ્ય સરકારે માતૃત્વ આરોગ્યને સમર્પિત “નમોશ્રી” યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આર્થિક સહાય આપવાનું મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૫,૪૯૫ હપ્તામાં રૂ. ૩.૭૯ કરોડથી વધુ (રૂ. ૩,૭૯,૮૮,૧૦૦) ની સહાય તબક્કાવાર DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) દ્વારા ચુકવવામાં આવી છે.
આ યોજના હેઠળ પ્રથમ તથા દ્વિતીય સગર્ભાવસ્થામાં માતાને કુલ રૂ. ૧૨,૦૦૦/- સુધીની સહાય વિવિધ તબક્કે આપવામાં આવે છે – જેમાં નોંધણી સમય, ગર્ભાવસ્થાના છ મહિનાની પૂર્તિ, સંસ્થાકીય પ્રસૂતિ અને બાળકના સંપૂર્ણ રસીકરણ બાદ સહાયની ચુકવણી થાય છે.
પ્રથમ પ્રસૂતિ માટે કુલ રૂ. ૭,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે, જ્યારે બીજી પ્રસૂતિમાં દીકરીના જન્મ પર PMMVY અને નમોશ્રી યોજનાનો સંયુક્ત લાભ મેળવી રૂ. ૧૨,૦૦૦/- મળે છે. જો બીજું બાળક દીકરો હોય, તો પણ આ સહાય રાજ્ય સરકારની નમોશ્રી યોજના હેઠળ પુરી પાડી શકાય છે.
યોજના માટે પાત્રતા : SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ માપદંડો હેઠળ આવતી બહેનોને સહાય ફાળવવામાં આવે છે. આ સહાય દ્વારા માતા અને નવજાતને પોષણયુક્ત આહાર અને આરોગ્યલક્ષી સુરક્ષા મળતી રહે છે, જેના પરિણામે માતા અને શિશુ મૃત્યુદર ઘટે તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે.
યોજનાનો લાભ લેવા માટે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર, સ્ત્રી આરોગ્ય કાર્યકર કે આશા બહેનનો સંપર્ક કરવો જરૂરી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ