સગર્ભા ગાયના જીવ બચાવતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈનની કામગીરી.

વેરાવળ શહેરના હવેલી ચોક વિસ્તારમાં એક સગર્ભા ગાય તીવ્ર પીડા સાથે રસ્તા પર બેસી રહી હતી. ગાયને કરૂણ અવસ્થામાં જોયા બાદ સ્થાનિક ગૌપ્રેમી સોનલબેન મણિયાર દ્વારા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન પર તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. कॉल મળતાની સાથે જ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળે પહોચી હતી.

એમ્બ્યુલન્સ સાથે આવેલ પશુ તબીબ ડો. અર્જન સોલંકી અને પાયલોટ કમ ડ્રેસર લતીફ બ્લોચે ગાયની તાત્કાલિક તબીબી તપાસ શરૂ કરી. તપાસમાં સામે આવ્યું કે ગાયના ગર્ભાશયમાં રહેલું વાછરડું મૃતાવસ્થામાં હતું અને તે આડું થઈ જવાથી બહાર કાઢવી વધુ પડકારજનક બની રહી હતી. જો યોગ્ય સમયે યોગ્ય કામગીરી ન કરવામાં આવે તો ગાયના જીવને પણ ખતરો સર્જાઈ શકે તેમ હતો.

કઠિન પરિસ્થિતિ વચ્ચે ડોક્ટર અને તેમની ટીમે સતત પ્રયત્નો કરીને સતત ૩૦ મિનિટથી વધુ સમય સુધી સારવાર આપી અને અન્ય ગૌપ્રેમીઓની સહાયથી મૃત વાછરડાને સાવચેત રીતે બહાર કાઢવામાં આવ્યું. આ પ્રક્રિયા દરમિયાન ગાયને શાંતિ આપવામાં આવી, જેથી તે વધુ પીડા વિના સારવાર સહન કરી શકે.

આ કામગીરી બાદ ગાયની તબીબી સ્થિતિ સ્થિર થઈ હતી અને પીડામાંથી રાહત મળી હતી. કાર્યવાહી બાદ ગાયને પૂરતું આરામ આપવામાં આવ્યું અને તેનું અનુકૂળ પાલન પણ શરૂ કરાયું.

ડૉ. અર્જન સોલંકીએ જણાવ્યું કે, “અકસ્માત ખૂબ જ જટિલ હતો. જો થોડી પણ વેળા થઈ હોત તો ગાયનો જીવ પણ જઈ શકે તેમ હતો. ૧૯૬૨ હેલ્પલાઈનનું તાત્કાલિક પ્રતિસાદ એવું સાબિત કરે છે કે સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવા સાચા અર્થમાં અબોલ પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે.”

કરુણા એનિમલ એમ્બ્યુલન્સની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં સંતુષ્ટિ અને ગૌપ્રેમી માનવતાની ભાવના પ્રબળ બની છે. અબોલ જીવ માટે સમયસર પહોંચેલી આ ટીમની માનવતાવાદી કામગીરી પ્રશંસનીય છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ.