સગીર યુવાનોના વાહન ચલાવવાના કેસમાં વધારો: રાજ્ય પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને કડક કાર્યવાહીનો ઈશારો!

જૂનાગઢ, તા. ૧૧:
ગુજરાતમાં ૧૮ વર્ષથી નાની વયના વિધાર્થીઓ દ્વારા ટુ-વ્હીલર વાહન ચલાવવાના મામલામાં નિતનવા વધારો જોવાઈ રહ્યો છે. મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ ની કલમ ૧૯૯ (A) મુજબ લાયસન્સ વગર વાહન ચલાવવું ગુનો ગણાય છે. રાજ્યમાં ૨૦૨૩ અને ૨૦૨૪ દરમ્યાન ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનો દ્વારા ૭૨૭ માર્ગ અકસ્માતોના કેસ નોંધાયા છે, તેમજ સરેરાશ ૪૪૬ સગીર યુવાનોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે – જે અત્યંત ગંભીર મુદ્દો છે.

શાળા અને કોલેજોની જવાબદારી:
શાળા અને કોલેજના મેનેજમેન્ટને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના વિધાર્થીઓના વાલીઓને આ અંગે વિશેષ ધ્યાન આપવા અંગે સૂચિત કરે. વર્ગદીઠ વોટ્સએપ ગ્રુપમાં પણ આ સંદેશ પહોંચાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવાયું છે.

પોલીસ દ્વારા ચેતવણી:
આ અંગે વિશેષ કામગીરી હેઠળ, પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ તથા શાળા/કોલેજોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન જો કોઈ પણ સગીર વિધાર્થી લાયસન્સ વિના ટુ-વ્હીલર સાથે પકડાશે, તો મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૯ (૧) મુજબ તેના વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહીની જાણ શાળા-કોલેજો તથા વાલીઓ સુધી યોગ્ય રીતે પહોંચે અને ભાવિ ભુલ ટાળે તે જરૂરી છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ