સુરત :
સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં એક છ માળની બિલ્ડિંગ ઉભી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જ જૂની હતી. તે આજે અચાનક જ પત્તાના મહેલની જેમ તુટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર લોકો હતાં. આ દુર્ઘટનામાં અંદાજે 15 જેટલાં લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ અને આસપાસના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા સાથે સાવચેતીપુર્વક ફાયરના લાશ્કરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
વર્ષ 2016માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું
વધુમાં મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલાં આ બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા.
અહેવાલ:- અશ્વિન પાંડે(સુરત)